ત્રણથી ચાર દિવસ દરમ્યાન સમુદ્રમાં ચોમાસું આગળ વધવાનું ચાલુ રહેશે : ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ
New Delhi તા.૧૩
ભારત મૌસમ વિજ્ઞાન વિભાગે મંગળવારે બંગાળની ખાડી અને અંદમાન સાગરના અમુક વિસ્તારમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચવાની ઘોષણા કરી છે. આઈએમડીએ કહ્યું કે, “દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૧૩ મેના રોજ બંગાળની ખાડીના દક્ષિણ ભાગ, અંડમાન સાગરના દક્ષિણી ભાગ, નિકોબાર દ્વીપ સમૂહ અને ઉત્તરી અંડમાન સાગરના અમુક ભાગમાં આગળ વધી ગયું છે.” તેમણે કહ્યું કે, “આગામી ત્રણથી ચાર દિવસ દરમ્યાન સમુદ્રમાં ચોમાસું આગળ વધવાનું ચાલુ રહેશે.”
મૌસમ વિભાગે કહ્યું કે, “દક્ષિણ અરબ સાગરના અમુક ભાગો, માલદીવ અને કોમોરિન ક્ષેત્રો, બંગાળની ખાડીના દક્ષિણી ભાગ, આખા અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, અંડમાન સાગરના બાકીના ભાગ અને બંગાળની ખાડીના મધ્ય ભાગના અમુક ભાગોમાં આગળ ત્રણથી ચાર દિવસ દરમ્યાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.” મૌસમ વિભાગ અનુસાર, આ વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્યથી વધારે રહેવાની આશા છે.
આઈએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, “ઉત્તર ભારતમાં સામાન્યથી વધારે ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. નિચલા વાયુમંડળીય સ્તર પર પશ્ચિમી હવાઓની હાજરી વધારે મજબૂતી, ઉપરી વાયુમંડળીય સ્તર પર પૂર્વી હવાઓની હાજરી વધારે મજબૂતી, દક્ષિણ પ્રાયદ્વીપમાં લગભગ ૪૦ દિવસ સુધી ગર્જના સાથે પ્રી-મોનસૂન વરસાદ અને ઉત્તરી પશ્ચિમી પ્રશાંત મહાસાગર પર સામાન્યથી વધારે પ્રેશર બની રહેવું, આ તમામ મુખ્ય કારકો છે, જે ચોમાસાના સમય પહેલા આવવાના સંકેત છે.”
આ વર્ષે આ વિસ્તારમાં ચોમાસાની શરૂઆત ગત સાત વર્ષમાં સૌથી જલદી નોંધાઈ છે. આઈએમડીના અનુસાર, “દક્ષિણ અંડમાન સાગરમાં ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખ ૧૯ મે છે. જ્યારે અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં પોર્ટ બ્લેરમાં ચોમાસાની શરૂઆત ૨૧ મેની હોય છે.” સોમવારથી નિકોબાર દ્વીપ સમૂહમાં અમુક જગ્યા પર વ્યાપક, મધ્યમથી ભારે વરસાદ નોંધાયો. આ ઉપરાંત છેલ્લા બે દિવસ દરમ્યાન આ દ્વીપો પર વ્યાપક વરસાદ ચાલુ રહ્યો, જે ચોમાસાની શરૂઆતની ઘોષણા માટે એક મહત્ત્વનું માપદંડ છે.