New Delhi,તા.21
દેશમાં આગળ વધતા ચોમાસા વચ્ચે ફરી એક વખત રાજકીય મોસમ પણ શરૂ થઈ છે અને એક તરફ વર્ષના અંતે યોજાનારી બીહાર વિધાનસભા ચૂંટણી માટેનો તખ્તો ગાજવા લાગ્યો છે તે વચ્ચે આજથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષોએ સરકારને ભીડવવા માટેના તમામ હથીયાર સાથે બન્ને ગૃહોમાં હંગામેદાર સ્થિતિ બનાવી દીધી છે.
પહેલગામ હુમલો અને તેના પરિણામો ઓપરેશન સિંદૂર તથા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ વિરામ કરાવ્યાના અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા ઉપરાંત બિહારમાં મતદાર યાદીના મુદ્દે વિપક્ષોએ સરકારને પૂરી રીતે ઘેરવાની તૈયારી સાથે ગૃહમાં કદમ મુક્યા છે.
તો બીજી તરફ સરકારે પણ સમગ્ર સત્ર દરમ્યાન વિપક્ષો શરસાઈ ન મેળવી જાય તે માટે તૈયારી રાખી છે. ગઈકાલે જ મળેલી સર્વપક્ષીય બેઠકમાં સરકારે એક તરફ પહેલગામથી લઈ તમામ મુદાઓ ઉપર ચર્ચા કરવા સરકાર તૈયાર છે.
તેવો જવાબ આપ્યો છે પરંતુ વિપક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન સિવાય કશું ઓછુ માંગતી નથી અને ગઈકાલે જ સર્વપક્ષીય બેઠકમાં સીનીયર મંત્રીઓના બદલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાને મોકલીને સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તે વડાપ્રધાન મોદીના નિવેદન અંગે વિપક્ષને તાબે થવા તૈયાર નથી.
સુત્રોના જણાવ્યા મુજબ બન્ને ગૃહોમાં સરકારનો મોરચો સંરક્ષણ રાજનાથ સિંઘ સંભાળશે અને ઓપરેશન સિંદૂર મુદે તેઓ જવાબ આપશે બીજી તરફ વિપક્ષોએ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વારંવાર મે ભારત પાક. યુધ્ધ રોકાવ્યું તેવા દાવા થાય છે તે મુદે પણ સરકારની સ્પષ્ટતા માંગશે.
કોંગ્રેસ પક્ષે ગંભીર રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિની નિષ્ફળતા પહેલગામ આતંકી હુમલો તથા ઓપરેશન સિંદૂર મુદે લોકસભામાં સભા મોકૂફીની દરખાસ્ત આપી છે આ જ રીતે રાજય સભામાં પણ કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ નોટીસ પાઠવી છે.
બન્ને ગૃહોમાં પ્રારંભથી જ ધમાલના સંકેત છે. ગઈકાલની સર્વદલીય પક્ષની બેઠકમાં કુલ 51 પક્ષોમાંથી 40ના જ પ્રતિનિધિ હાજર હતા. સરકારે એ સ્પષ્ટ કયુર્ં છે ગૃહનું સંચાલન યોગ્ય રીતે થાય તે જોવાની જવાબદારી ફકત સરકાર પર જ નથી પરંતુ વિપક્ષ પર છે. આમ કહીને તેમણે એ પણ સંકેત આપી દીધો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ માંગવો પણ યોગ્ય નથી.