Gandhinagar, તા.1
ઓગસ્ટ 2025 મહિનો તહેવારો અને રજાઓથી ભરપૂર રહેવાનો છે. દેશભરની બેંકોમાં કુલ 15 દિવસની રજાઓ રહેશે, જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો તેમજ શનિવાર-રવિવારની રજાઓનો સમાવેશ થાય છે.
જો તમારે વર્ષના આઠમા મહિનામાં બેંક સંબંધિત કે અન્ય કોઈ મહત્વપૂર્ણ કામ પતાવવાના છે, તો તેને ઝડપથી પૂર્ણ કરી લેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આ મહિનામાં દેશ સ્વતંત્રતા પર્વથી લઈને કૃષ્ણ જન્મ પર્વ સુધીની ઉજવણી કરશે.
વર્ષ 2025 નો આ ઓગસ્ટ મહિનો ઘણા મોટા તહેવારોની ઉજવણી લઈને આવશે. ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનથી લઈને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી સુધીના પર્વો આ માસમાં ઉજવાશે. આ ઉપરાંત, ગણેશ ચતુર્થી પણ ઓગસ્ટમાં જ છે. મુખ્ય તહેવારોને કારણે ઓગસ્ટ મહિનામાં 8 દિવસની રજાઓ રહેશે.
તહેવારોની રજાઓ ઉપરાંત, ઓગસ્ટ મહિનામાં ઘણી સાપ્તાહિક રજાઓ પણ છે, જ્યારે બેંકો બંધ રહેશે. પ્રથમ સાપ્તાહિક રજા 3 ઓગસ્ટ, રવિવારના રોજ રહેશે. ત્યારબાદ, 10 ઓગસ્ટના રોજ ફરી રવિવારના કારણે રજા રહેશે.
આ પછી, 23 ઓગસ્ટે ચોથા શનિવારના કારણે અને 24 ઓગસ્ટે રવિવારના કારણે બેંકો સતત બે દિવસ બંધ રહેશે. મહિનાની છેલ્લી સાપ્તાહિક રજા 31 ઓગસ્ટ, રવિવારના રોજ રહેશે.
9 ઓગસ્ટ શનિવાર ના રોજ રક્ષાબંધન / ઝુલાના પૂર્ણિમા હોવાથી રજા રહેશે અને બીજા દિવસે રવિવાર ની રજા મળશે. 15 ઓગસ્ટ શુક્રવાર સ્વતંત્રતા દિવસ, પારસી નવું વર્ષ (શહેનશાહી)અને 16 ઓગસ્ટ શનિવાર જન્માષ્ટમી / કૃષ્ણ જયંતિ અને ત્યારબાદ રવિવાર હોવાથી એક સાથે ત્રણ દિવસની રજા મળશે.