Morbi, તા.3
મોરબી મહાપાલિકા બનાવવામાં આવતા હવે વેલ છે નવા ટીપી અને ડીપી બનાવવામાં આવશે અને તેને તૈયાર થતાં હજુ સમય લાગશે જો કે, ત્યાં સુધી મોરબીમાં નવા વિકાસ કામોને બ્રેક લાગી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ આજની તારીખે મોરબીમાં જે તૈયાર મિલકતો છે તેના ભાવમાં 30 થી 40 ટકા જેટલો ભાવ વધારો થશે તે નિશ્ર્ચિત છે. અને છેલ્લા ઘણા વર્ષોથી નિયમોને નેવે મૂકીને આડેધડ બાંધકામ કરવામાં આવે છે.
તે હવે અટકી જશે અને મંજૂરી સાથેના બાંધકામો થવાથી મિલકતનો વપરાશ કરનારા લોકોને હવે પાર્કિંગ અને માર્જિનની જગ્યા સહિતનો લાભ મળશે આટલું જ નહીં મોરબીમાં પ્રાથમિક સુવિધા સહિતના અભાવના લીધેલ ઉદ્યોગકારો સહિતના લોકો મેટ્રો સિટી તરફ સ્થળાંતર કરતાં હતા તેના ઉપર પણ હવે બ્રેક લાગે તેવી શક્યતા જોવા મળી રહી છે.
રાજ્યામાં 9 નવી મહાપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે.
જેમાં મોરબી મહાપાલિકાનો પણ સમાવેશ થાય છે આ સાથે જ સરકાર દ્વારા તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરની નિમણૂક કરવામાં આવેલ છે વહીવટદાર તરીકે હાલમાં મોરબી જિલ્લાના કલેક્ટર કે. બી. ઝવેરીને જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકા તથા આસપાસના નવ ગામની કુલ મળીને 12 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરીને મોરબી મહાપાલિકા બનાવવામાં આવેલ છે જેનો વિસ્તાર 137 સ્ક્વેર કિલો મીટરનો હશે અને અંદાજે પાંચ લાખ જેટલી વસ્તી મોરબી મહાપાલિકાની થશે. અને મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને લાઇટ પાણી રોડ રસ્તાની જે વ્યવસ્થાઓ હાલમાં મળી રહી છે તેના કરતાં વધુ સારી રીતે તમામ સુવિધાઓ મળે તેવું આયોજન કરવામાં આવશે.
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે મહાપાલિકાના અમલીકરણ માટેનું કામ જેટ ગતિએ આગળ વધી રહ્યું છે અને નગરપાલિકા અને જે ગ્રામ પંચાયતોનો મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે તેના રેકર્ડ માટેની મીટીંગ કરવામાં આવી છે અને તે રેકર્ડને મેળવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર બાદ મોરબી મહાપાલિકાની વોર્ડ રચના, ઝોન રચના વગેરે જેવી કામગીરી પણ ઝડપથી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજકોટમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા સ્વપ્નિલ ખરેની મોરબીના કમિશનર તરીકે વરણી કરવામાં આવી છે જેના અનુભવનો મોરબીને લાભ મળશે. ખાસ કરીને મોરબી શહેરી વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાઈટ પાણી રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ અને તેની સાથોસાથ બાગ બગીચા સહિતની સુવિધાઓનો ઝડપથી વિકાસ થાય તેના માટેનું આયોજન કરવામાં આવશે પરંતુ બધી જ સુવિધાઓ રાતો રાત વધી જવાની નથી તેના માટે સમય ચોક્કસ લાગશે જો કે, મોરબીના લાંબા ગાળાના વિકાસને ધ્યાને લઈને તમામ આયોજનો કરવામાં આવશે.
પાર્કિંગ-માર્જિનની જગ્યાનો લાભ
મોરબી જિલ્લા બિલ્ડર એન્ડ ડેવલપર એસો.ના પ્રમુખ સંતોષભાઈ શેરસીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એક જ દિવસમાં મહાપાલિકાની જાહેરાત સાથે કમિશનરની નિમણૂક કરીને અભૂતપૂર્વક નિર્ણય કરેલ છે અને આ નિર્ણયથી મોરબીના પ્રત્યેક લોકોને ખૂબ મોટો ફાયદો આગામી દિવસોમાં થવાનો છે કારણ કે, હવે મોરબીમાં ટીપી, ડીપી મંજૂર થશે અને ત્યારબાદ નિયમ મુજબ મંજૂરી સાથેના બાંધકામો થશે જેથી હાલમાં જે સો ટકા જમીન ઉપર બાંધકામો કરવામાં આવતા હોય છે તેની બદલે નિયમ પ્રમાણે જમીન ખુલ્લી મુકવામાં આવશે. જેથી લોકોને પાર્કિંગ અને માર્જિનની જગ્યાનો લાભ મળશે અને સરકારના નિર્ણયથી મોરબીના બાંધકામ ક્ષેત્રને ખૂબ મોટો ફાયદો આગામી દિવસોમાં થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
મિલકતના ભાવ વધશે
મોરબીના અગ્રણી બિલ્ડર પરેશભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મોરબીમાં રોડ રસ્તા, બાગ બગીચા સહિતની જે કાંઈ સમસ્યાઓ છે તે હવે મહાપાલિકા અમલમાં આવવાના કારણે ભૂતકાળ બનશે. કારણકે એક તો ટીપી, ડીપી મંજૂર થશે જેથી કરીને સાર્વજનિક પ્લોટ અને ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરીને બાગ બગીચા સહિતની સુવિધાઓ વધશે.
જેથી બાળકોને રમવા માટેના ગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ મળશે. ખાસ કરીને હાલમાં જે રીતે આડેધડ જુદા જુદા વિભાગ દ્વારા કોઈપણ જગ્યાએ ખોદકામ કરવામાં આવતું હોય છે તેવી કામગીરી ઉપર બ્રેક લાગશે. જો કે, મોરબીના ટીપી-ડીપી બનવાથી માંડીને જે કામગીરી કરવાની થશે તેના માટે સમય લાગશે જેથી કરીને નવા બાંધકામો ઉપર બ્રેક લાગશે. પરંતુ જે મિલકતો મોરબી મહાપાલિકા વિસ્તારમાં બની ગયેલ છે તેના ભાવમાં લગભગ 30 થી 40 ટકા જેટલો ભાવ વધારો થાય તેવી શક્યતા છે.
સ્થળાંતર અટકશે
મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઔદ્યોગિક નગરી મોરબી સીરામીક સીટી તરીકે ન માત્ર ગુજરાત પરંતુ દુનિયા ભરમાં જાણીતું છે ત્યારે સીરામીક ઉદ્યોગકારોને પોતાના જ કારખાના સુધી જવા માટે ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો સહન કરવા પડતા હતા જે હવે ભવિષ્યમાં રોડ રસ્તાની કાયાપલટ થવાથી ભૂતકાળ બની જશે. અને મહાપાલિકા બનવાથી પહેલા તો મોરબીને તેની જરૂરિયાત મુજબનું હવે અધ્યતન ફાયર સ્ટેશન મળશે જેથી કરીને મોરબીની આસપાસમાં આવેલ ઓદ્યોગીક વિસ્તારમાં કોઈપણ દુર્ઘટનાઓ બને તો બહારથી વાહનો આવે તેની રાહ જોવી પડતી હતી તેના બદલે ઘર આંગણે જ ફાયરની ટિમ દ્વારા બચાવવા રાહતની કામગીરી કરી શકાશે. જે મોરબીના પ્રત્યેક લોકો માટે ખૂબ જ ફાયદાકારક થશે
આડેધડ વિકાસ ઉપર બ્રેક
મોરબીમાં ઉદ્યોગ અને બાંધકામ બંને ક્ષેત્ર સાથે વર્ષોથી જોડાયેલા રાજુભાઈ ધમાસણા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોથી મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આડેધડ જે રીતે બાંધકામો થઈ રહ્યા છે અને સો ટકા જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવી રહ્યા છે પરંતુ મોરબી મહાપાલિકા બનવાથી હવે મોરબીનો યોગ્ય રીતે આયોજન પૂર્વક વિકાસ થશે.
તેની સાથોસાથ મહાપાલિકામાં કર્મચારીઓની ભરતી થશે જેથી લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળશે. આ ઉપરાંત જો ઉદ્યોગ જગતને ફાયદાની વાત કરીએ તો છેલ્લા વર્ષોથી મોરબીમાં સારી સુવિધાઓ ન હોવાના કારણે ટેકનિકલ અને અનુભવી માણસો કે જે મોરબીમાં સારી નોકરી અને સારા પગારની ઓફર કરતા છતાં પણ ન આવતા હતા તે ભવિષ્યમાં મોરબીમાં સારી સુવિધાઓ મળવાથી પોતાના પરિવાર સાથે મોરબીમાં રહેવા માટે આવે અને ઉદ્યોગને સારો મેન પાવર મળે તેવું દેખાઈ રહ્યું છે.
મોરબી મહાપાલિકામાં કઈ કઈ જગ્યા ઊભી કરાઇ ?
મોરબી મહપાલિકાની જાહેરાત બુધવારે કરવામાં આવી હતી તેની સાથે જ સરકારે કમિશનર તરીકે રાજકોટના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરેની નિમણૂક કરી છે તેની સાથો સાથ બે ડેપ્યુટી કમિશનર મૂકવામાં આવેલ છે.
જેમાં કુલદીપસિંહ વાળા અને સંજયભાઇ સોનીનો સમાવેશ થાય છે અને આ મહાપાલિકા માટે કેટલીક મહત્વની જગ્યાઓ પણ તાત્કાલિક ઊભી કરવામાં આવેલ છે જેમાં સીટી ઈજનેર, ટીપીઓ, ઓડિટર, સેક્રેટરી, હેલ્થ ઓફિસર અને એકાઉન્ટન્ટ વિગેરેનો સમાવેશ થાય છે અને અને આગમી સમયમાં આ મહાપાલિકામાં સ્ટાફની ભરતી કરવા માટેનું કામ પણ હાથ ઉપર લેવામાં આવશે.