મોરબી, તા.2
મોરબીમાં મોચી શેરી પાસે ગેબનશાપીરની દરગાહની બાજુમાં ચીકી બનાવતા યુવાન પાસે અવારનવાર મગફળી પાકની ચીકી ચાખવા માટે માંગતા શખ્સને ચીકી ચાખવા ન આપતા તે વેપારી યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ તેના ઘરની અંદર પ્રવેશ કરીને ચાર શખ્સોએ ટેબલ ફેન, એર કુલર, ઘરના સામાન અને ચીકીના પાકમાં તોડફોડ કરીને નુકશાન કર્યું હતું અને વેપારી યુવાનને ભાગે પાઇપ મારીને ઇજા કરી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીન ચોક પાસે દફતરી શેરી હીરાભુવનની બાજુમાં રહેતા મનીષભાઈ પ્રેમજીભાઈ સોમાણી (47)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બકા પટેલ, કિશન પટેલ, યશ પટેલ અને વિશાલ પટેલ રહે. બધા મોચી શેરી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા સાહેદો ચીકી બનાવતા હોય તેઓ મગફળી પાકની ચીકી બનાવતા હતા ત્યારે બકા પટેલે મગફળી પાક ચાખવા માંગતા ફરિયાદીએ અવારનવાર મગફળી પાક ચાખવા ન આવવા કહ્યું હતું .
જેથી ઉશ્કેરાઈ ગયેલા ચારેય શખ્સો દ્વારા ફરિયાદી યુવાને ગાળો આપીને તેની સાથે જપાજપી કરી આવી હતી તેના ઘરની અંદર ઘૂસીને ટેબલ ફેન, એર કુલર. ઘરના સામાનમાં તથા મગફળીના ચીકી પાકમાં નુકસાની કરવામાં આવી હતી અને યુવાનને ગાળો આપી વિશાલ પટેલે લોખંડનો પાઇપ ફરિયાદીને જમણા પગના ગોઠણના ભાગે માર્યો હતો અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.