હિટાચી, જેસીબી અને ડમ્પર સહિત 1 કરોડનો મુદ્દામાલ કબ્જે
Rajkot,તા.૨૧
મોરબી જિલ્લા ખનીજ વિભાગે તવાઈ બોલાવતા વાંકાનેર પંથકના જેતપરડા અને હશનપર ગામે દરોડો પાડી એક જેસીબી, એક હિટાચી અને એક ડમ્પર સહિત 1 કરોડના વાહનો કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ મથકે જમા કરાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જિલ્લા ભુસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરની ટીમે વાંકાનેર તાલુકામાં અલગ અલગ બે જગ્યાએ ગેરકાયદેસર બેલાની ખાણ ઝડપી લીધી હતી જેમાં પ્રથમ દરોડામાં જેતપરડા ગામે ક્યુરેકસ કારખાના પાછળનાં ભાગે દરોડો પાડી સેન્ડ સ્ટોનનું ખોદકામ કરતા જેસીબી નંબર જીજે-36-એસ-3848 ઝડપી લીધું હતું. જ્યારે બીજા દરોડામાં હશનપર ગામે ગેગડી વિસ્તારમાં દરોડો પાડી સેન્ડ સ્ટોનના ખોદકામ કરતા ટાટા હિટાચી મશીમ તેમજ એક ડમ્પર નંબર જીજે-18-એએક્સ-8418 ને ગેરકાયદેસર ખાણકામ કરી વહન કરવા બદલ પકડી સીઝ કરી સીટી પોલીસ મથકે જમા કરાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં બેલાની ગેરકાયદેસર ખાણના ખાણકામ મશીન ઓપરેટર માલકિયા અનિલ બાબુભાઇ રે. જાલી તા. વાંકાનેર અને માલિક સરૈયા ભરત મોહનભાઇ રે. દરબારગઢ, જેતપરડા તા. વાંકાનેર હોવાનું સામે આવ્યું છે. સાથે જ અન્ય ઓપરેટર રાજીવ દેવનારાયણ યાદવ રે. મૂળ બિહાર હાલ હસનપર અને ડમ્પર ચાલક તેમજ માલીક રાજ વિનોદભાઈ વિઝીવાડીયા રે. લુણસરિયા તા. વાંકાનેર તેમજ પેથાભાઈ રાઘવભાઈ સરૈયા રે. હસનપર તા. વાંકાનેર દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.