Morbi,તા.૨૩
સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કરી રેડ
બ્રાન્ડેડ ઓઈલ કંપનીના નામે ડુપ્લીકેટ ઓઈલ વેચાણનો કરાયો પર્દાફાશ
મોરબી જીલ્લામાં ડુપ્લીકેશન સતત વધી રહ્યું છે અગાઉ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી-અને બોગસ ટોલનાકા કાંડ બાદ હવે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ઓઈલનું પેકિંગ કરી વેચાણ કરતા હોવાનો પર્દાફાશ થયો છે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં રેડ કરી ડુપ્લીકેટ ઓઈલ પેકિંગ અને વેચાણ કરનાર બે ઇસમોને ઝડપી લઈને ૨૩.૧૭ લાખની મત્તા કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એ વી પટેલના માર્ગદર્શન હેઠળની ટીમે આજે લજાઈ ગામની સીમમાં આવેલ મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ગોડાઉનમાં રેડ કરી હતી ગોડાઉન ખાતે મેક લુબ્રિકન્ટ, સર્વો સુપર, ગલ્ફ સીએનજી અને હીરો જેન્યુન એમ ચાર કંપનીની બ્રાંડના નામે ડુપ્લીકેટ એન્જીન ઓઈલ ભરી પેકિંગ કરી વેચાણ કરવામાં આવી રહ્યું હતું સ્થળ પરથી SMC ટીમે ડુપ્લીકેટ એન્જીંગ ઓઈલ ૨૧,૪૮૮ લીટર કીમત રૂ ૧૭,૧૯,૦૪૦ ૨ મોબાઈલ કીમત રૂ ૨૫ હજાર, એક વાહન કીમત રૂ ૫ લાખ, રોકડ રૂ ૫૨૦૦ ઉપરાંત MRP પ્રિન્ટ મશીન ૦૩ નંગ, મોટર, બેલ્ટ મશીન, ઈલેક્ટ્રોનિક વજન કાંટો, સીલીંગ મશીન, ઓઈલ ભરવા માટેનું મશીન, બોટલ સીલીંગ મશીન અને બેરલ મળીને ૬૭,૮૦૦ સહીત કુલ રૂ ૨૩,૧૭,૦૪૦ ની કિમતનો મુદામાલ કબજે લીધો છે
SMC ટીમે સ્થળ પરથી ડુપ્લીકેટ એન્જીન ઓઈલ બનાવનાર મુખ્ય આરોપી મેહુલ નરેન્દ્રભાઈ ઠક્કર રહે ૧૦૨, શિવ હેરીટેઝ, ગોકુલધામ સોસાયટી મોરબી અને ડુપ્લીકેટ એન્જીંગ ઓઈલ બનાવનાર આરોપી અરુણ ગણેશભાઈ કુંડારિયા રહે મોરબી રવાપર રોડ સંકલ્પ એપાર્ટમેન્ટ બ્લોક નં ૪૦૪ એમ બે ઇસમોને ઝડપી લઈને મુદામાલ ટંકારા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે
કેટલા સમયથી ચાલતો હતો ગોરખધંધો ? મોટો સવાલ
આજે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી SMC ટીમે બપોરના સુમારે લજાઈ નજીક ગોડાઉનમાં રેડ કરી હતી જ્યાંથી લાખોના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે જે આરોપીઓ બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલને બદલે ડુપ્લીકેટ ઓઈલ ભરી વેચાણ કરતા હોવાનું ખુલવા પામ્યું છે જોકે મોટો સવાલ એ છે કે કેટલા સમયથી આ ગોરખધંધો ચાલતો હતો, સ્થાનિક પોલીસ તેમજ મોરબી એલસીબી-SOG સહિતની ટીમો શું ઊંઘતી હતી ? અગાઉ પણ SMC ટીમોએ અનેક વખત મોરબી જીલ્લામાં રેડ કરી સ્થાનિક પોલીસનું નાક વાઢ્યું છે ત્યારે વધુ એક રેડ અને આવડા મોટા કોભાંડના પર્દાફાશથી સ્થાનિક પોલીસ અને મોરબી જીલ્લાની પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે