Morbi, તા.4
મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે ચાર્જ સંભાળ્યાની સાથે જ એક્શન મોડમાં આવી ગયેલ છે અને સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને શહેરના જુદાજુદા વિસ્તારની મુલાકાત લીધેલ હતી અને ત્યારે જુદાજુદા વિસ્તારમાં 10 જેટલા વેપારીઓની દુકાનો પાસે કચરો હોવાથી તેને દંડ કર્યો હતો. કમિશનર સ્વપ્નિલ ખરે પહેલા જ દિવસે ડેપ્યુટી કમિશનરને સાથે રાખીને શહેરના સુરજબાગ, મહેન્દ્રપરા મેઈન રોડ, રેલવે સ્ટેશન રોડ, સરદાર બાગ, વાવડી રોડ સહિતનાં વિસ્તારમાં ગયા હતા અને ત્યારની પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો અને અધિકારીઑ સાથે સમિક્ષા બેઠક કરી હતી.
તેમજ શહેરમાં સારી રીતે સફાઈ જળવાઈ રહે તેના માટે સફાઈ કામદારો સાથે વાતચીત કરી છે અને સફાઈ કામદારોની કામગીરી સંતોષકારક હોવાનું તેમણે જણાવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છેકે, ગઇકાલે પહેલા દિવસના રાઉન્ડ દરમ્યાન મોરબીના વાવડી રોડે 10 જેટલી દુકાન બહાર કચરો પડ્યો હતો જેથી તે વેપારીઓને મહાપાલિકાએ દંડ કર્યો હતો.
ન્યુસન્સ પોઇન્ટ
મોરબીના મહાપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનરે ગઇકાલે ચાર્જ સંભાળ્યો હતો ત્યારે મોરબી જિલ્લાના કલેક્ટર તેમજ ધારાસભ્યો સહિતના મહાપાલિકા ખાતે હાજર રહ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે મોરબીમાં આવતાની સાથે જ ન્યૂસન્સ પોઈન્ટ અને પાર્કિંગ સહિતના મુદા ધ્યાને આવેલ છે તે દિશામાં પહેલા કામ કરવામાં આવશે મોરબી પાલિકાને સરકારે મહાપાલિકા બનાવેલ છે.
ત્યારે પ્રથમ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરે ને મૂકવામાં આવેલ છે તેઓએ આજે મોરબી મહાપાલિકા કચેરી ખાતે આવીને ચાર્જ સંભાળી લીધેલ છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર કે.બી. ઝવેરી સહિતના અધિકારીઓએ અને આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા સ્વપ્નિલ ખરેનું મોરબીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સ્વપ્નિલ ખરેએ પત્રકારોની સાથે વાત કરતાં કહ્યું હતું કે, તેઓએ અગાઉ રાજકોટ મહાપાલિકામાં કામ કર્યું છે તેના અનુભવનો મોરબીને લાભ મળશે અને શહેરના રોડ રસ્તા, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર વધારે સારું કરવાની દિશામાં કામ કરવામાં આવશે.
આટલું જ નહીં મોરબીમાં આવતાની સાથે રસ્તાની આસપાસમાં ગંદકી, ફૂટપાથનું લેવલ બરાબર નથી, વાહન પાર્કિંગ અને ન્યૂસન્સ પોઈન્ટ ધ્યાન ઉપર આવેલ છે તે દિશામાં પહેલા કામ કરવામાં આવશે. સાથોસાથ મહાપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને મૂકવામાં આવેલ છે તેની સાથે સંકલન કરીને સરકારમાંથી મંજૂર કરવામાં આવેલ અધિકારીઓની જગ્યાની ભરતી તેમજ વર્ગ 3 અને 4 ના સ્ટાફની ભરતી સહિતનું કામ પણ વહેલી તકે કરવામાં આવશે. અને ખાસ કરીને મોરબીના લોકો મહાપાલિકાની કામગીરીમાં સહકાર આપે તેવી તેઓએ અપીલ કરેલ હતી.