Morbi, તા.26
મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી પરણીતા કુદરતી હાજતે ગઈ હતી ત્યારે તેનું મોત નીપજ્યું હતું તેવી જાહેરાત મૃતકના પતિ દ્વારા કરવામાં આવી હતી જોકે પોલીસ તપાસ દરમિયાન મૃતક મહિલાને ગળાટુપો આપીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિ અને તેની સાથે રહેતી મહિલાની સામે મૃતક મહિલાના પિતાએ ફરિયાદ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અર્જુનસિંહ મોડાજી નાયક (50)એ તેના જમાઈ રાહુલ રોડુલાલ નાયક રહે.મુળ સુણાસરા જીલ્લો મંદોસર એમપી હાલ રહે ઓલવીન સીરામીક કારખાનામાં જાંબુડીયા ગામ ની સીમ મોરબી તથા તેની સાથે રહેતી મહિલા રેવાલી રાહુલ નાયક સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે.
જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીની દીકરી પાયલ ઉર્ફે રાનીના લગ્ન આરોપી રાહુલ નાયક સાથે થયા હતા જોકે રાહુલ નાયકને રેવાલી સાથે આડા સંબંધ હોય તે રાહુલની સાથે તેની બીજી પત્ની તરીકે રહેતી હતી.
ફરિયાદીની દીકરી પાયલને તેનો પતિ રાહુલ પત્ની તરીકે રાખવી ન હોય બંને આરોપીઓએ સાથે મળીને ફરિયાદીની દીકરી પાયલ (20) નું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પાયલની લાશને દોરડાથી બાંધીને ઓરડીની પાછળના ભાગે ઉતારી દીધી હતી અને પુરાવાનું નાશ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો અને ફરિયાદીના દીકરીના મોત બાબતે તેના જમાઈએ ફરીયાદીને ખોટી માહિતી આપી હતી અને પુરાવાનો નાશ કર્યો હતો.
જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના જમાઈ અને તેની સાથે રહેતી મહિલાની સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મૃતક મહિલાના પતિ દ્વારા તેની પત્ની વહેલી સવારે કુદરતી હાજતે ગઈ હતી અને ત્યાં બેભાન અવસ્થામાં તેનું મોત થયું હતું તેવી સ્ટોરી પોલીસ સમક્ષ કરવામાં આવી હતી.
જો કે મૃતક મહિલા નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તેમાં તેને ગળાટુપો આપીને મહિલાની હત્યા કરવામાં સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા હત્યાનો મામલો સામે આવ્યો હતો. હાલમાં મૃતક મહિલાના પિતાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.