હત્યા બાદ ખોટી માહિતી આપી, પુરાવાનો નાશ કર્યો
Morbi, તા.૨૬
મોરબીમાં પતિ, પત્ની અને વો વાળો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પરિણીત પુરુષને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી પ્રેમિકા સાથે મળીને પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને હત્યા બાદ ખોટી માહિતી આપી, પુરાવાનો નાશ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદને આધારે પોલીસે મહિલા સહિતના બંને આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
રાજસ્થાનના વતની અર્જુનસિંહ મોડાજી માંગીલાલજી નાયક (ઉ.વ.૫૦) વાળાએ આરોપીઓ રાહુલ રોડુલાલ નાયક અને રેવાલી રાહુલ નાયક રહે બંને હાલ ઓલ્વીન સિરામિક જાંબુડિયા તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની દીકરી પાયલ ઉર્ફે રાનીના લગ્ન રાહુલ નાયક સાથે ચાર વર્ષ પૂર્વે થયા હતા જે બંને મોરબી નજીક સિરામિક ફેકટરીમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા આશરે બે વર્ષ પહેલા જમાઈ રાહુલને કારખાનામાં મજુરી કરતી રેવાલી નામની છોકરી સાથે આડા સંબંધ બંધાયા હતા અને તેની સાથે લગ્ન કરવા રાહુલ અને દીકરી પાયલ તેમજ રેવાલી વતન હંસપુરા ગામે આવ્યા હતા રાહુલે ફરિયાદીની દીકરી પાયલને હેરાન કરતો હતો અને દીકરી પાયલે ફોન કરી પતિ રાહુલને તેની બીજી પત્ની તરીકે રાખેલ રેવાલી સાથે લગ્ન કરવા હોય જેથી હેરાન કરતો હોવાનું જણાવ્યું હતું
જેથી દીકરીએ મને તેડી જાવો કહેતા રાહુલના ઘરે જઈને પાયલને સાથે ગામ તેડી લાવ્યા હતા દીકરી પાયલ બે વર્ષ સુધી માવતરે રહી હતી અને જમાઈ રાહુલના ફોન દીકરી પર આવતા હતા અને વાતચીત કરતા હતા આશરે એકાદ મહિના પૂર્વે જમાઈ રાહુલનો ફોન આવ્યો અને દીકરી પાયલ ઉર્ફે રાનીને તેની સાથે રહેવા મોકલી આપો તે પાયલ અને રેવાલી બંનેને સાથે રાખશે હવે પાયલ સાથે કોઈ ઝઘડો નહિ કરે તેમ કહ્યું હતું જેથી જમાઈ રાહુલ ઘરે આવી પાયલને સાથે લઇ ગયા હતા અને જાંબુડિયા ગામે આવેલ ઓલ્વીન સિરામિકમાં રહીને મજુરી કરતા હતા આજથી સાત આઠ દીવસ પૂર્વે દીકરી પાયલ ઉર્ફે રાનીનો ફોન આવ્યો જેમાં પતિ રાહુલ તેની બીજી પત્ની સાથે લગ્ન કરવા હોય અને તેને સાથે રાખવી ના હોય જેથી ઝઘડો કરી હેરાન ક્રરે છે રાહુલ મને મારી નાખશે તેમ કહ્યું હતું જેથી ફરિયાદી પિતાએ રાહુલને સમજાવી દેશે કહ્યું હતું અને તા. ૨૪-૧૨ ના રોજ સવારે પાયલના જેઠ ભીમસિંહનો ફોન આવ્યો કે પાયલ બેહોશ છે અને સારવાર માટે હોસ્પિટલ લઇ જઈએ છીએ
બાદમાં ભીમસિંહનો ફોન આવ્યો કે પાયલ ઉર્ફે રાની ગુજરી ગઈ છે પાયલને શું થયું પૂછતાં રૂમમાંથી પાછળના ભાગે નીચે પડી જતા ગુજરી ગયાનું જણાવ્યું હતું દીકરી પાયલના શરીરે ઈજાના નિશાનો હતો અને શરીરે કોઈ દોરડું બાંધ્યું હોય તેવા નિશાન જોવા મળ્યા હતા પીએમ રીપોર્ટમાં મોતનું કારણ ગળું દબાવી મારી નાખ્યાનું ખુલ્યું હતું
આમ ફરિયાદીની દીકરી પાયલ ઉર્ફે રાનીના પતિ રાહુલ નાયકને તેની સાથે મજુરી કરતી રેવાલી સાથે આડા સંબંધ હોવાથી તેને પત્ની તરીકે સાથે રાખતો હતો અને દીકરી પાયલને રાખવી ના હોવાથી બંનેએ મળીને ગળું દબાવી મોત નીપજાવી હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે હત્યા બાદ દીકરીના મૃતદેહને દોરડાથી બાંધી ઓરડીની પાછળ નીચેના ભાગે મૃતદેહ ઉતારી પુરાવાનો નાશ કર્યો અને દીકરીના મોત બાબતે ખોટી માહિતી આપ્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી પતિ અને પ્રેમિકાને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે