આ મામલે પોલીસે હત્યા કરીને ફરાર થઇ ગયેલા આરોપી પતિની પકડવાની કવાયત શરૂ કરી છે
Morbi તા.૩૦
મોરબીના તળાવીયા શનાળા ગામે રહેતા અને ખેતરમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારમાં પતિ-પત્ની વચ્ચે ફટાકડાની ખરીદી મુદ્દે ઝઘડો થયો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્નીને લાકડાનો ધોકો માથામાં ફટકારતાં, સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. હત્યાના આ બનાવમાં મૃતક મહિલાના કૌટુંબિક ભાઈની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.જાણવા મળતી માહિતી પ્રમાણે, મોરબીના તળાવિયા શનાળા ગામે રજનીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના સરદારપુર જિલ્લાના ધાર વિસ્તારમાં રહેતા નરબેસિંગ ભગાસિંગ મેડા તેમના પત્ની ભૂરીબેન નરબેસિંગ મેડી (ઉ.૩૮) તથા પરિવારજનો છેલ્લા પાંચ-છ વર્ષથી અહીં મોરબી ખાતે રહીને ખેત મજૂરીનું કામ કરતા હતા. દરમિયાનમાં આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર હોવાથી સંતાનો માટે ફટાકડાની ખરીદી માટે ભુરીબેને તેના પતિને ૫૦૦ રૂપિયા આપ્યા હતા અને ફટાકડા ખરીદી કરવા માટે નરબેસિંગ અને બાળકો મોરબી આવ્યા હતા. ત્યારબાદ ફટાકડાની ખરીદી કરીને પરત તળાવીયા શનાળા ગામે ગયા હતા અને ત્યારે ૫૦૦ રૂપિયાના ફટાકડાની ખરીદી મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા નરબેસિંગ મેડા દ્વારા ત્યાં બાજુમાં પડેલા લાકડાના ધોકા વડે તેના પત્ની ભુરીબેન નરબેસિંગ મેડા (ઉ.૩૮)ને માર મારવામાં આવ્યો હતો. જેના લીધે ગંભીર ઇજાઓ થવાથી ભુરીબેન મેડાનું મોત નીપજ્યું હતું. જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવ સંદર્ભે મૃતકના ફૈબાના દીકરા દિપકભાઈ બગાભાઈ ડામોર (ઉ.૩૫) રહે.તળાવિયા શનાળા ગામની સીમમાં રજનીભાઈની વાડીએ વાળાએ હાલ તેના કૌટુંબીક બનેવી નરબેસિંગ ભગાસીંગ મેડા (હાલ રહે. તળાવીયા શનાળા તા.મોરબી મૂળ મધ્યપ્રદેશ) સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ હત્યા કરીને આરોપી ફરાર થઇ જતા પોલીસે આરોપીની તપાસ હાથ ધરી છે. તેમજ આરોપી હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.