Morbi,તા.૨૬
મોરબી જીલ્લામાં અસામાજિક તત્વોને ખાખીનો કોઈ ડર રહ્યો ના હોય તેમ માળિયામાં ફિલ્મી ઢબે ફાયરીંગ કરી યુવાનની હત્યા કરવામાં આવી હતી જે ઘટના હજુ તાજી છે ત્યારે હવે વ્યાજખોરોના ત્રાસનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં વ્યાજની ઉઘરાણી કરવા માટે કાર પડાવી લઈને નામ ટ્રાન્સફર કરવા RTO કચેરીમાં અરજી કરી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
શહેરના આલાપ રોડ અંજની પાર્કમાં રહેતા જગદીશભાઈ નરભેરામભાઈ દેત્રોજાએ આરોપીઓ ભરત ઉર્ફે બીકે કાનજીભાઈ ચાવડા રહે રવાપર રોડ સદગુરુ સોસાયટી અને પંકજ રામ કિશનકુમાર રહે સુમતિનાથ સોસાયટી મોરબી એમ બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા રવિરાજે આરોપી ભરત ચાવડા પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જેની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીની માલિકીની એમજી હેક્ટર કાર જીજે ૩૬ આર ૨૨૨૨ વાળી ગત તા. ૨૮-૦૨-૨૪ ના રોજ દીકરા રવિરાજ અને પૃથ્વીરાજ પાસેથી બળજબરીથી પડાવી લઈને કારની અસલ આર.સી. બૂક, વીમા પોલીસી અને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ફાઈલ કારમાં જ હોય જે બાબતે રવિરાજે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપી પાસેથી કાર કબજે કરી હતી
જે કાર ફરિયાદીએ આરોપીઓને કોઇપણ પ્રકારની રોકડ રકમની લેવડ દેવડ કરી વેચાણથી આપેલ ના હોય કે કાર ટ્રાન્સફર કરવા કોઈપણ પ્રકારના આરટીઓને લગતા ડોક્યુમેન્ટ ટીટીઓ ફોર્મમાં સહી કરી આપેલ ના હોવા છતાં આરોપી ભરતે જે તે વખતે રવિરાજ પાસેથી કાર પડાવી લઇ ગયેલ ત્યારે કારમાં રહેલ આર.સી. બૂક, વીમા પોલીસી સહિતના ડોક્યુમેન્ટને આધારે આરટીઓ ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી ફોર્મ બનાવટી હોવાનું જાણવા છતાં ખોટું આરટીઓ ટીટીઓ ફોર્મ ખોટા દસ્તાવેજને આધારે કાર ટ્રાન્સફર કરવા તા. ૧૦-૦૪-૨૪ ના રોજ ઓનલાઈન અરજી કરી બનાવટી દસ્તાવેજો સબમિટ કરી ઓનલાઈન અરજી કર્યાનો ડિસ્કલેમર રીપોર્ટ મેળવી કોર્ટમાં રજુ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે