Morbi, તા.10
મૂળ એમપી ના રાજગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ ઈનવોલ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતો અને મજૂરી કામ કરતો અમરભાઈ અંબાભાઈ કુશવા (23) ખોખરા હનુમાન પાસે રાત્રિના સમયે આંતરવામાં આવેલ હતો અને બે બાઈક ઉપર આવેલા અજાણ્યા ચાર શખ્સોએ તેના ગળા ઉપર છરી મૂકીને તેવી ધમકી આપી હતી.
અને તે યુવાનનો 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન તથા 2,500 રોકડા આમ કુલ મળીને 12,500 ના મુદ્દામાલની લૂંટ કરીને બાઈક ઉપર આવેલા આજાણ્યા ચાર શખ્સો નાસી છૂટ્યા હતા.
બનાવ સંદર્ભે એલસીબીના પીએસઆઇ સહિતની ટીમે માળીયા નજીકથી આરોપી અસગર રમજાનભાઈ મોવર (25) રહે. કાજરડા, સમીર સુભાનભાઇ મોવર (19) રહે. વાડા વિસ્તાર માળીયા (મિં) અને હનીફ અબ્બાસભાઇ ભટ્ટી (23) રહે. કાજરડાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી પોલીસે લૂંટમાં ગયેલ રોકડ તેમજ મોબાઈલ ફોન તેમજ એક છરી અને બીજા ચાર મોબાઈલ ફોન કબજે કરેલ છે અને આ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. આ ગુનામાં હજુ આરોપી અવેશ સુભાનભાઇ મોવર રહે. ઇદ મસ્જીદ નજીક માળીયા (મિં) વાળાને પકડવાનો બાકી છે જેથી તેને પકડવા માટે અને આ આરોપીઓએ અન્ય કેટલા ગુના કરેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ આરોપીઓ અલગ-અલગ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રાત્રીના સમયે મોટર સાયકલ ઉપર નિકળતા એકલ-દોકલ મજુરોને છરીઓ બતાવી ડરાવી ધમકાવી તેઓ પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ રકમની લુંટ ચલાવતા હોય છે. જેથી તેની પાસેથી ઘણા લોકોને ટાર્ગેટ કરી પડાવેલ મોબાઇલ ફોન તથા કિમંતી ચીજવસ્તુઓ હોવાની શક્યતા છે અને પકડાયેલા ત્રણેય આરોપીઓની પુછપરછમાં તેમણે બીજા લીધેલ મોબાઇલ ફોન પોતાની પાસે સંતાડી રાખેલ હોવાની કબૂલાત આપેલ છે.
હાલમાં પકડાયેલા ત્રણેય આરોપીઓના અન્ય એક સાગરીત દ્વારા આવાજ પ્રકારના ગુનામાં એક મજુરને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારેલ છે. જે હાલે ખુનના ગુનામાં જેલમાં છે. જેનો પણ આ ગુનામાં ટ્રાંસફર વોરન્ટ આધારે કબ્જો લેવા માટેની તજવીજ શરૂ કરી છે. આ શખ્સોએ ચોરી કે લૂંટ કરીને મેળવેલ વસ્તુઓ કોને વેંચતા હતા તે દિશામાં તપાસ કરવામાં આવશે હાલમાં પોલીસે આરોપીઓ પાસેથી વધુ 10 જેટલા મોબાઇલ રીકવર કરેલ છે.