Morbi તા.23
મુળ માળીયા (મીં)ના સરવડ ગામના અને હાલ મોરબીના જેતપર- પીપળી રોડ ઉપર રહી મજુરીકામ કરતા પરીવારની સગીરાનું થોડા સમય પહેલા અપહરણ થયેલ હતું. જેની ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે.
દરમ્યાનમાં તે યુવતીનું થોડા દિવસો પૂર્વે પુન: ત્રણ અજાણ્યા ઈસમો તથા એક મહિલા સહિત ચાર લોકોએ અપહરણ કરેલ હોય ભોગ બનેલ સગીરાના પિતાએ ચાર અજાણ્યા ઈસમો સામે પુન: અપહરણની ફરીયાદ નોંધાવેલ છે. જેથી તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે. જેની આગળની તપાસ પીએસઆઈ બગડા ચલાવી રહ્યા છે.
જયારે મુળ મધ્યપ્રદેશ હાલ હરીપર (કેરાળા) ગામે રહી મજુરીકામ કરતા રીનુભાઈ સરદારસિંગ પીદીયા (27)એ પોતાનો નાનો ભાઈ રાહુલ સરદારસિંગ પીદીયા (18) મુળ રહે. એમપી હાલ મોરબી તા.22-6ના રોજથી ગુમ થયો હોવાની ફરીયાદ નોંધાવેલ હતી. જેની તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે રાહુલને મજુરીકામ ગમતુ ન હોય તે મોરબીથી નિકળીને કાલાવડ ખાતે તેના પિતાને ત્યાં ચાલ્યો ગયો હતો..!! જે બાબતે તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.
મોરબી સિપાઈવાસમાં રહેતા આરીફ કાસમભાઈ ખુરેશી (37)ને શાક માર્કેટ પાસે મારામારીમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો. ધ્રાંગધ્રાના નરસીપરા ગામે રહેતા લાભુબેન ગાંડાભાઈ તારબુંદીયા નામના 69 વર્ષના વૃધ્ધા ધ્રાંગધ્રા-હળવદ રોડે બાઈકમાં બેસીને જતા હતા.
ત્યારે વાહન સ્લીપ થઈ જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જયારે શાંતિનિકેતન એપાર્ટમેન્ટ પાસે બાઈક સ્લીપ થઈ જતા સદામહુશેન અયુબભાઈ કાસમાણી (32) રહે. કબીર ટેકરી મોરબીને સારવાર માટે ખસેડાયો હતો.
રવાપર ગામે ક્રિષ્ના સ્કુલ પાસે રહેતી તીથીબેન કમલેશભાઈ દેસાઈ (19) નામની યુવતી એકટીવામાં જતી હતી ત્યારે વધુ બ્રેક લાગતા વાહન સ્લીપ થતા સારવારમાં લઈ જવાઈ હતી. જયારે માધાપરા શેરી નંબર-19 ખાતે રહેતા લાલજીભાઈ ખોડીદાસભાઈ કંઝારીયા નામના 71 વર્ષના વૃધ્ધ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે પડી ગયા હોય સારવારમાં ખસેડાયા હતા.
ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા કાંતાબેન બચુભાઈ રામાણી (56) બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે સરદારનગરથી લાલપુર જતા રસ્તે હનુમાન મંદિર પાસે બાઈક આડે અચાનક કુતરૂ આવી જતા વાહન સ્લીપ થવા ઈજાગ્રસ્ત કાંતાબેનને અત્રે સારવાર માટે લવાયા હતા. જયારે હળવદના ઘનશ્યામપુરના વતની સમજુબેન છગનભાઈ દલવાડી નામના 74 વર્ષના વૃધ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગામ નજીક સ્લીપ થતા સારવાર માટે મોરબી લવાયા હતા.
માળીયા હાઈવે ટીંબડી ગામના પાટીયા પાસે પીપળી ગામની સિમમાં ચોરીના ઈરાદે મોડી રાત્રીના અજાણ્યા ઈસમે હુમલો કરતા નુરીબેન માધાભાઈ સેખાણીયા દેવીપુજક (27) નામની મહીલાને સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા. તો ચોટીલા અને પીરપડીના રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા સુરાભાઈ જેરામભાઈ કોઠીયા (55) રહે. પીપરડીને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.