Morbi,તા.24
મોરબીમાં રહેતા યુવાનના મોબાઇલ ફોન ઉપર આરટીઓ ચલણ લખીને એપીકે ફાઈલનો મેસેજ આવ્યો હતો જે મેસેજ યુવાને તેની પત્નીના વ્હોટ્સએપમાં સેન્ડ કરેલ હતો.
જેને ઓપન કરતાની સાથે જ મહિલાનો મોબાઇલ હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેના બેન્ક એકાઉન્ટમાંથી 24.34 લાખ કરતા વધુની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લઈને યુવાન સાથે ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમની ટીમે બે આરોપીની ધરપકડ કરેલ છે અને બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
મોરબીમાં આવેલ ન્યુ ચંદ્રેશનગર શેરી નંબર 2 ખાતે રહેતા કાજલબેન સવજીભાઈ ગામી (36) નામની મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા એક મોબાઈલ નંબર તથા અન્ય બેન્ક એકાઉન્ટ ધારકો આમ કુલ મળીને આઠ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે તેના પતિના મોબાઈલના વ્હોટ્સએપ ઉપર આરટીઓ ચલણ એપીકે ફાઈલનો મેસેજ આવ્યો હતો અને તે મેસેજને ફરિયાદીના પતિએ ફરિયાદીના મોબાઈલ ફોન ઉપર સેન્ડ કર્યો હતો.
જેથી તે મેસેજને ઓપન કરતાની સાથે જ મહિલાનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેના એચડીએફસી બેન્કના એકાઉન્ટમાંથી કુલ મળીને 24,34,709 ને અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા અને મહિલાની સાથે ઠગાઈ કરવામાં આવી હતી જેથી મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી .
જે ગુનામાં મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.વસાવા તથા સ્ટાફ દ્વારા હાલમાં તેજસિંહ રઘુવીરસિંહ ગૌર (24) રહે.ડી-7 શ્વેત વીલા કોલોની સ્વેજ ફાર્મ રામનગર વિસ્તાર સોડાલા જયપુર રાજસ્થાન તથા અજયસિંગ ઉર્ફે અજુભાઈ ઉર્ફે રોહનસિંગ પ્રેમસિંહ ચૌહાણ (24) રહે.ગણેશનગર રામનગર વિસ્તાર સોડાલા જયપુર રાજસ્થાન વાળાની ધરપકડ કરી છે અને બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.