Kolkata,તા.15
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં શુક્રવારે (સવારે 9.30 વાગ્યાથી) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ છે, પરંતુ આ શહેરમાં આ ટેસ્ટ મેચ કરતાં આગામી આઇપીએલની વધુ ચર્ચા છે જેનું કારણ એ છે કે આઇપીએલમાં ખેલાડીઓની અદલાબદલી કરવા સંબંધિત ટ્રેડિંગ વિન્ડો માટેની મુદત થંભી જવાનો સમય નજીક આવી રહ્યો છે.
તેમજ અબુ ધાબીમાં 16મી ડિસેમ્બરે યોજાનારા આઇપીએલના પ્લેયર્સ-ઑક્શનને પણ હવે બહુ દિવસો બાકી નથી એટલે પશ્ચિમ બંગાળના આ પાટનગરમાં ટેસ્ટ પર આઇપીએલને લગતી દોડધામ હાવી થઈ ગઈ છે.
વાત એમ છે કે, 2026ની આઇપીએલના તમામ ફ્રેન્ચાઇઝીઓના માલિકો પોતાની રણનીતિ અત્યારથી તૈયાર કરવામાં વ્યસ્ત છે. હવે તો ખેલાડીઓની હરાજીની તારીખ અને સ્થળ પણ નક્કી થઈ ગયા છે.
એટલે ખેલાડીઓની અદલાબદલી કરવા માટે, કયા ખેલાડીઓને રિલીઝ કરવા તથા કોને રીટેન કરવા તેમ જ હરાજીમાં કોના પર ખાસ નજર રાખવી એ સંબંધમાં ટીમોના માલિકોની ચર્ચા-વિચારણા વધી ગઈ છે એટલે ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટની ચર્ચા થોડી ઝાંખી પડી ગઈ છે.
લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)નું વર્ડું મથક કોલકાતામાં જ છે અને એના માલિક સંજીવ ગોયેન્કા તેમ જ કેપ્ટન રિષભ પંત અને ટોમ મૂડી, ભરત અણ, જસ્ટિન લેન્ગર સહિતનું ટીમ મેનેજમેન્ટ આગામી આઇપીએલ માટેની રણનીતિ તૈયાર કરી રહેલા જણાયા છે. તેમની મીટિંગ અહીં કોલકાતામાં એલએસજીના હેડ ક્વોર્ટરમાં થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
રાજસ્થાન રોયલ્સના ફ્રેન્ચાઇઝીના માલિક મનોજ બદાલે લંડનમાં રહે છે, પરંતુ તેઓ કોલકાતામાં આઇટીસી સોનાર બાંગ્લા હોટેલમાં બે દિવસથી રવીન્દ્ર જાડેજા સાથે મીટિંગ કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આવનારા દિવસોમાં પોતાની ટીમનું કોમ્બિનેશન કેવું રહેશે એને લઈને તમામ ફ્રેન્ચાઇઝીઓ વ્યૂહરચના બનાવી રહ્યા છે.

