ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકો જીવતા ભડથું થયા હતા,15 શખ્સો સામે ગુનો નોંધાયો હતો
Rajkot ,તા.08
રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગાવનારા અગ્નિકાંડ કેસમાં આરોપી સામે કોર્ટમાં તહોમતનામું ફરમાવવામાં આવ્યું હતું. આરોપીઓ તરફે દસ્તાવેજો કબુલ રાખવા કે નહી તે મુદ્દે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવે તે પૂર્વે જ મુદત પડી હતી. આજે ૮મી ઓગષ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં જ વધુ એક તારીખ પડી છે આગામી 22 મી ઓગષ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પીએમ કરનાર ડોક્ટરને જુબાની માટે કોર્ટે સમન્સ પાઠવ્યું છે.
રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25/5/2024ની સાંજે આગ લાગતા 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની તાલુકા પોલીસ મથકમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અગ્નિકાંડની ઘટનામાં પ્રકાશચંદ કનૈયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા હતા. ચકચારી બનેલા અગ્નિકાંડ કેસમાં પોલીસે સમયગાળા કરતા 60 દિવસ વહેલા ચાર્જશીટ તૈયાર તા.24/7/2024 ના રોજ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે અગ્નિકાંડ કેસમાં ચાર્જશીટ બાદ ગત તા.17 જુલાઈના રોજ અદાલતમાં કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી જયદીપ ચૌધરીએ મુદત માંગતા કોર્ટે રૂ.20 હજારનું કોસ્ટ કહેતા આરોપી જયદીપ ચૌધરીએ મુદત અરજી પાછી ખેંચી લીધી હતી. અગ્નિકાંડ કેસમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ કબૂલ કરવા માટે કેસ મેનેજમેન્ટની કાર્યવાહી કરવા તા.31 મી જુલાઈ મુકરર કરવામાં આવી હતી. આરોપીઓ તરફથી દસ્તાવેજો કબુલ રાખવા કે નહીં તેમજ કયા કયા સાક્ષીઓને બોલાવવા તેના નામો આપવા મુદ્દે સુનાવણી થનાર હતી પરંતુ આરોપીઓના વકીલ દ્વારા કેસના અભ્યાસ માટે મુદત માંગવામાં આવી હતી. આજે 8 મી ઓગષ્ટના રોજ કેસની સુનાવણી હાથ ધરવામાં આવે તે પૂર્વે જ વધુ એક મુદત પડી છે. અગ્નિકાંડમાં મોતને ભેટેલા મૃતદેહના પી.એમ. કરનાર પીડીયું મેડિકલ કોલેજના ડો. જે.પી. શાહ, એસ.ડી. ભુવા અને વી.જે. આઘેરાને જુબાની માટે કોર્ટે સમન્સ પાઠવ્યું છે. આગામી 22 મી ઓગષ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસમાં સરકારે સ્પે. પીપી તરીકે તુષાર ગોકાણી, એડિશનલ સ્પે.પીપી નિતેશ કથીરિયા, પીડિત પરિવાર વતી સિનિયર એડવોકેટ સુરેશ ફળદુ અને નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.