Ahmedabad,તા.16
ગુજરાતના નાગરિકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા 1,11,75,000થી વધુ આભાર પોસ્ટકાર્ડનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. વિશ્વના કોઈ પણ દેશના વડા પ્રધાનને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખાયાં હોવાની આ સૌપ્રથમ ઘટના બની છે અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.
ગુજરાતના સહકાર વિભાગના સચિવ સંદીપકુમારે કહ્યું હતું કે `ગુજરાતના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં 1,11,75,000થી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં હતા. 14 ઑક્ટોબરે ગિનેસ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ દ્વારા રેકોર્ડનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
ગિનેસ વર્લ્ડ રેકોર્ડના ડેટા મુજબ પોસ્ટકાર્ડ લેખનનો અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ 6666 પોસ્ટકાર્ડ લખવાનો હતો જે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ ઍન્ડ કો-ઑપરેશન સેક્શન વોટર બાસેલ, સ્વિટ્ઝરલેન્ડ પાસે હતો જે હવે ગુજરાતના નામે થયો છે.
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 350 બાય 80 ફુટના વિસ્તારમાં 75 લાખનો આંકડો બનાવીને એમાં પોસ્ટકાર્ડ્સ લગાવવામાં આવ્યાં હતાં. આ કામગીરી માટે સહકાર વિભાગના પચાસથી વધુ અધિકારીઓ અને 100થી વધુ કર્મચારીઓએ સતત 4 દિવસ સુધી જહેમત ઉઠાવી હતી.’
સંદીપકુમારે કહ્યું હતું કે `ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટેક્સ (GST) સુધારા, મેક ઇન ઇન્ડિયા અભિયાન, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી, જનધન યોજના, બુલેટ ટ્રેન ક્ષેત્રે વડા પ્રધાન દ્વારા ભારતમાં થયેલાં પ્રજાહિતનાં કાર્યો માટે આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં હતાં.
પોસ્ટકાર્ડ અભિયાન શરૂ થયું ત્યારે 75 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે એવો અંદાજ હતો, પરંતુ ગુજરાતના લોકોએ 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને ગુજરાતનું નામ વિશ્વફલક પર રોશન કરી ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે.’