Una તા.25
ઉના અને ગીરગઢડા તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સહાય માટે અત્યાર સુધીમાં 29,769 ખેડૂતોએ ફોર્મ ભર્યા છે. આ કામગીરી 14 નવેમ્બરથી શરૂ થઈ હતી અને આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે.
દિવાળી બાદ વરસેલા કમોસમી વરસાદે ખરીફ પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. ખાસ કરીને મગફળી, સોયાબીન, ડુંગળી અને પશુઓ માટેના ઘાસચારાને મોટું નુકસાન થયું હતું. પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા મંત્રીઓએ પણ મુલાકાત લીધી હતી. શરૂઆતમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સરકારે રૂ. 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, જેમાં ખેડૂતોને 2 હેક્ટર સુધી સહાય આપવા ની જાહેરાત કરવામાં આવી હતી. સ્થાનિક ગ્રામ પંચાયત કચેરીઓ પર વી.સી. દ્વારા ફોર્મ ભરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 24 નવેમ્બર સુધીની વિગતો અનુસાર, ગીરગઢડા તાલુકામાં 13,300 (58 ગામો) અને ઉના તાલુકામાં 16,469 (78 ગામો) મળી કુલ 29,769 સહાય ફોર્મ ખેડૂતો દ્વારા ભરવામાં આવ્યા છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત કચેરીઓ પર વી.સી. દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે.
ફોર્મ ભરાયા બાદ કયા પાકને અને કેટલા હેક્ટરમાં નુકસાન થયું છે તેની વિગતવાર માહિતી ઉપલબ્ધ થશે. સ્થાનિક ખેતીવાડી વિસ્તરણ અધિકારી કીર્તિ રાઠોડે જણાવ્યું હતું કે, ઉના પંથકમાં આશરે 20,000 ફોર્મ ભરાવાની શક્યતા છે. જો જરૂર પડશે તો સરકારમાં સમયમર્યાદા વધારવા માટે રજૂઆત કરવામાં આવશે.

