Ambaji, તા.2
બોલ મારી અંબે, જય જય અંબે…ના નાદ સાથે અંબાજી ધામમાં ભાદરવી પૂનમ મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કલેક્ટર મિહિર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા દાંતા પાસે માતાજીનો રથ ખેંચીને આ ભવ્ય મેળાનો શુભારંભ કરાયો હતો. પ્રથમ દિવસે જ 3.71 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આસ્થાના આ મહાપર્વમાં ભક્તોને 3.35 લાખથી વધુ પ્રસાદના પેકેટ આપવામાં આવ્યા હતા અને ભંડારા સહિત કુલ 29.44 લાખથી વધુની આવક થઈ હતી. 140થી વધુ ધજાઓ ચઢાવવામાં આવતા મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું હતું.
અંબાજીમાં પ્રવેશતાની સાથે જ ચારે તરફ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. યાત્રિકોની સુવિધા માટે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એસટી બસ સ્ટેન્ડ પણ યાત્રાધામની બહાર ખસેડવામાં આવ્યું છે. આ વ્યવસ્થાને કારણે ભક્તો સરળતાથી મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. દર્શન પથ પરના પ્રવેશ દ્વારથી લગભગ 700 મીટરના અંતરે સુખરૂપ દર્શન થઈ રહ્યા છે.
દર્શન કરીને બહાર નીકળવા માટે મંદિરના ગેટ નંબર 7 નજીકનો ગામ તરફનો દ્વાર ખુલ્લો મુકાતા ભક્તો ત્વરિત બહાર નીકળી રહ્યા છે, જેથી ગામનું બજાર પણ યાત્રિકોથી ઉભરાઈ રહ્યું છે. દૂરથી 103 ફૂટ ઊંચું મંદિર શિખર અને 200 ફૂટ ઊંચું ગબ્બર શક્તિપીઠ નિહાળી ભક્તો ભાવવિભોર બની જાય છે. મા અંબાના દર્શન કર્યા બાદ ભક્તો ગબ્બર શક્તિપીઠ પરની અખંડ જ્યોતના દર્શન કરવાનું ચૂકતા નથી, જેના કારણે ગબ્બરનો માર્ગ અને તળેટી પણ શ્રદ્ધાળુઓથી ભરાયેલા છે.
મેળા દરમિયાન બાળકો ખોવાઈ ન જાય તે માટે વિશેષ ‘બાળ સહાયતા કેન્દ્ર’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. કામાક્ષી મંદિર સામે, રાવણ ટેકરી, દાંતા અને મુખ્ય કંટ્રોલ પોઈન્ટ, અંબાજી ખાતેથી બાળકોને એક આઈકાર્ડ પહેરાવવામાં આવે છે.
આ આઈકાર્ડમાં બાળકનું નામ, સરનામું, વાલીનું નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો હોય છે. કોઈ બાળક ખોવાઈ જાય તો તેને મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ખાતેના બાળ સહાયતા કેન્દ્ર પર સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. અહીં ફીડિંગ રૂમ, ઘોડિયાઘર અને રમકડાંઘરની પણ સુવિધા ઉપલબ્ધ છે, જેથી બાળકોને કોઈ અગવડ ન પડે.