Surendranagar,તા.17
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે ફુડ વિભાગની ટીમે ભેળસેળીયા વેપારીઓ પર લગામ લગાવવા ચેકીંગનો આરંભ કર્યો છે. ગત તા. 13મીથી 16મી ઓકટોબર એમ 4 દિવસમાં ફુડ વિભાગે જિલ્લામાં 15 દુકાનોએથી વિવિધ 42 સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે મોકલ્યા છે. જયારે 50 કિલોથી વધુ અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો છે. સુરેન્દ્રનગર શહેરના બહુમાળી ભવનમાં જિલ્લા ફુડ વિભાગની કચેરી આવેલી છે.
ત્યારે હાલ પણ દિવાળી નજીક આવતી હોઈ ફુડ વિભાગની ટીમે ચેકિંગનો દૌર શરૂ કર્યો છે. થોડા દિવસો અગાઉ પુરવઠા વિભાગ સાથે ઓઈલ મિલોમાં તપાસ કરાઈ હતી. ત્યારે છેલ્લા 4 દિવસથી ફુડ વિભાગના અધિકારી પિયુષભાઈ સાવલીયા સહિતની ટીમ સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સ્થળે ચેકીંગ હાથ ધર્યુ હતુ. તા. 13મીથી 16મી ઓકટોબર દરમિયાન ફુડ વિભાગે જિલ્લાની વિવિધ ફરસાણ-મિઠાઈ, ડ્રાફયુટ, નમકીનની રીટેઈલ દુકાનો, હોલસેલ વેપારીઓ, ઉત્પાદકોને ત્યાં તપાસ કરી 42 નમુના લીધા છે.
આ નમુનાઓ હાલ સરકારની ભુજ અને વડોદરા ખાતેની લેબમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે. આ નમુનાઓ જો લેબોરેટરી દરમિયાન ફેઈલ થશે તો વેપારી અને ઉત્પાદક પેઢી સામે કેસ દાખલ કરવામાં આવશે. બીજી તરફ આ પેઢીઓમાં અખાદ્ય એવા મીઠાઈ ફરસાણના 50 કિલોથી વધુ જથ્થાનો નાશ પણ કરાયો છે. હાલ દિવાળીના તહેવારો પર જ ફુડ વિભાગના ચેકીંગથી ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.