Surat,તા.31
સુરતના લસકાણા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના પુત્રને ઝેરી દવા પિવડાવ્યા બાદ પોતે પણ પી લીધી હતી. દવા પીવા અંગેની જાણ પરિવારને થતાં દોડી ગયા હતા અને બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જયા માતાનું મોત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલીના ડેડકણી ગામ અને સુરતમાં લસકાણાના કઠોદરા ખાતે આવેલી ગઢપુર ટાઉનશિપમાં 34 વર્ષીય મહિલા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં એક સાત વર્ષનો દીકરો છે. મહિલાના પહેલા લગ્ન થયા હતા, જેમાં પતિનું વર્ષ 2020માં અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યાર બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા, પણ એ સફળ ન રહેતાં પરત પિયર આવી ગઈ હતી. હાલ મહિલા પિતા સાથે રહેતી હતી.
પુત્રને તાવ આવતો હોવાથી ગઈકાલે સવારે દવાખાને લઈ જવાનું કહીને ઘરેથી મહિલા નીકળી હતી. સાંજ થઈ ગઈ હોવા છતાં પણ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મહિલાએ પોતાની મિત્ર સહિતના લોકોને પોતે પાસોદરા રોડ ખાતે આવેલા મામા મંદિર દેવ પાસે ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી દીધી હતી, જેથી મહિલાના મિત્રોએ તેમના પરિવારને આ અંગે જાણ કરી હતી.
મામાદેવના મંદિર પાસે પહોંચ્યાં હતાં. ત્યારે મહિલા બેભાન હાલતમાં મળી હતી અને તેમનો દીકરો તેની પાસે બેઠેલો હતો. ત્યાર બાદ બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. હોસ્પિટલ લઈ જતા સમયે દીકરાએ પણ ઊલટીઓ કરતાં તેને પરિવારજનોએ પૂછ્યું હતું કે તને શું થયું છે? ત્યારે દીકરાએ જણાવ્યું હતું કે માતાએ મને ઝેરી દવા પીવડાવી હતી અને ત્યાર બાદ તેણે પણ પી લીધી હતી.
જ્યારે દીકરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસ આવી પરિવારનાં નિવેદન નોંધીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી રહી છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, મહિલાના આપઘાતનું કોઈ કારણ હાલ સામે આવ્યું નથી, જોકે આ મામલે લસકાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.