ગેરસમજણમાં પાઇપ, હોકી અને પથ્થર વડે માર મારનાર એક મહિલા સહીત પાંચ વિરુદ્ધ ગુનો
Jetalsar,તા.30
જેતપુરના જેતલસર ગામે કચરો ફેંકતી વેળાએ શેરીના કુતરાઓ ભેગા થઇ જતાં પુત્રીએ માતાને કુતરાઓને ભગાડવાનું કહેતા નજીકમાં રહેતા એક મહિલા સહીત પાંચ શખ્સોં હથિયાર ધારણ કરી ધસી આવ્યા હતા અને અમને કુતરા કેમ કહો છો કહી માતા-પુત્રી પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. લોખંડના પાઇપ,હોકી અને પથ્થર વડે કરાયેલા હુમલામાં માતા-પુત્રીને માથા અને નાકના ભાગે ઇજાઓ થતાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે બીજી બાજુ જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરના જેતલસર ગામે ગાયત્રીનગર ડેડરવા રોડ પર રહેતા 45 વર્ષીય પરિણીતા જોસનાબેન રાજુભાઈ કંડોલિયાએ જેતપુર તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પાડોશમાં રહેતા કેતન લક્ષમણ સોલંકી, મેહુલ લક્ષ્મણ સોલંકી, ગનુબેન સોલંકી, બાવનજી ભેડા અને રાજવીર બાવનજી ભેડાનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૨૮/૦૫/૨૦૨૫ ના રાત્રીના દસ વાગ્યે હું તથા મારી દીકરી વર્ષાબેન ઘરે હાજર હતા. હું ઘરની બહાર કચરો નાખવા માટે ગયેલ અને કચરો ફેંકીને અમારા ઘરની પાસે આવતા શેરીના કુતરા માસનો ટુકડો લઇ આવેલ હતો. જેથી દીકરીએ કુતરા ભગાડવાનું કહેતા અમારી સામે રહેતા કેતન સોલંકી લોખંડનો પાઇપ, મેહુલ સોલંકી હોકી અને ગનુબેન લક્ષ્મણભાઈ સોલંકી મારી પાસે આવી કહેવા લાગેલ કે, અમને શું કામે કુતરા કહો છો તેમ કહી મને ગાળો દેવા લાગેલા હતા. કેતનએ બહાર પડેલ ખુરશીનો દરવાજા પાસે ઘા કરેલ હતો. બાદમાં હાથમાં રહેલ લોખંડના પાઈપનો એક ઘા મારા માથામાં મારી દીધેલ હતો. બાદમાં મને તથા મારી દીકરીને ઈજા થયેલ હોય જેથી સુભાષભાઈની ઇક્કો ગાડીમાં બેસી પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયાં હતા અને ત્યારબાદ માથા અને નાકના ભાગે ઇજા થઇ હોવાથી વધુ સારવાર અર્થે માતા-પુત્રીને જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
મામલામાં મહિલાએ હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ આપતાં જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી તમામ હુમલાખોરોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.