Andhra Pradesh,તા.17
ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન જી, આંધ્રપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રી સૈયદ અબ્દુલ નઝીર જી, આંધ્રપ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ ગારુ, ભારત સરકારના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ જી, ભારત સરકારના માનનીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરૂપા રામમોહન નાયડુ, આંધ્રપ્રદેશના માનનીય આઇ.ટી.અને ઉદ્યોગ મંત્રી શ્રી નારા લોકેશ ગારુ, ગણમાન્ય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને મીડિયાના મિત્રો.
વિશાખાપટ્ટનમ આવવું એ હંમેશા સૌભાગ્યની વાત છે. આ એક એવું શહેર છે જ્યાં સમુદ્રનું પાણી મહત્વાકાંક્ષાના મહાસાગરોને મળે છે અને તેની દરેક લહેરમાં સૌભાગ્ય સમાયેલું હોય છે. કારણ કે ભાગ્ય એવી વસ્તુ નથી જે આપણને વારસામાં મળી હોય, પરંતુ તે એવી વસ્તુ છે જેને આપણે બનાવીએ છીએ. આંધ્રપ્રદેશમાં દરેક જગ્યાએ હું આ સર્જનાત્મક ઉર્જા અનુભવું છું. અહીંના લોકોમાં, તેના ગવર્નન્સમાં અને અવિરત ઉત્તમ પામવાની દોડમાં.
આદરણીય મહેમાનો, આંધ્રપ્રદેશ ધન્ય છે. તે વિશ્વ માટે ભારતનું પૂર્વીય પ્રવેશદ્વાર છે. તે માત્ર ભૂગોળ કે ઇતિહાસનું સર્જન કરતું નથી પરંતુ એક નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે, અને દ્રષ્ટિની વાત કરીએ તો આપણે આધુનિક ઔદ્યોગિક ભારતની પ્લેબુકના સર્જક અને સ્વપ્નદ્રષ્ટા શ્રી એન.ચંદ્રબાબુ નાયડુ ગારુની હાજરીમાં બેઠા છીએ.
સર, આપ એક મુખ્યમંત્રી જ નહીં પણ એક સંસ્થા છો. ત્રણ દાયકા પહેલા જ્યારે હૈદરાબાદમાં લોકોએ અનિશ્ચિતતા જોઈ, ત્યારે આપે તેમાં એક નવીન તક શોધી અને તેને ભારતીય કૌશલ્ય અને ઈનોવેશનના વૈશ્વિક પ્રતીકમાં પરિવર્તિત કર્યું.
આજે, જ્યારે આપ સ્વર્ણિમ આંધ્ર 2047 ના વિઝનને આગળ ધપાવો છો, ત્યારે આપ ફરી એકવાર અમને યાદ અપાવો છો કે ગવર્નન્સ સ્વપ્નદ્રષ્ટા હોઈ શકે છે, વહીવટ ઉદ્યોગસાહસિક હોઈ શકે છે અને સરકારના વડા એક સ્ટાર્ટઅપ સ્થાપકની જેમ પણ વિચારી શકે છે – હંમેશા નિર્માણ, હંમેશા નવીનતા, હંમેશા વિશ્વાસ!
સર, આપ આંધ્રપ્રદેશના મૂળ સીઈઓ છો. અને આપના નેતૃત્વ હેઠળ, આ રાજ્ય ફરી એકવાર વિકાસની નવી ઉડાન ભરવા તૈયાર છે. આ દીર્ઘદ્રષ્ટિ પાછળના અન્ય પ્રેરકબળ એવા શ્રી નારા લોકેશ ગારુને પણ હું બિરદાવું છું.
લોકેશ ગારુ, આપ નવી પેઢીનું નેતૃત્વ કરો છો – ઝડપી, ડેટા-સંચાલિત અને માનવીય એવા વેપારને વેગ આપતા આપના મંત્રો ફક્ત એક સૂત્ર જ નથી, તે અમારા જેવા રોકાણકારો માટે જીવંત અનુભવ છે.
આપ યુવાનોની ભાષા, ટેકનોલોજીનો તર્ક અને બોર્ડરૂમના માપદંડને ખૂબ સારી રીતે જાણો છો. કૌશલ્ય, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક ઉદ્યોગો પ્રત્યેની આપની પ્રતિબદ્ધતા આંધ્રપ્રદેશને ભારતના સૌથી ઝડપથી આગળ વધતા સ્ટાર્ટઅપ રાજ્યમાં બદલી રહી છે અને તે અમારા કરતાં વધુ સારી રીતે કોણ જાણી શકે.
આદરણીય મહેમાનો, આંધ્રપ્રદેશમાં અદાણી ગ્રુપનો વિશ્વાસ એ કોઈ નવી વાત નથી. અમે ફક્ત રોકાણ કરતા નથી, તેનું ડેમોસ્ટ્રેશન પણ કરીએ છીએ. અત્યાર સુધી આંધ્રમાં અમે બંદરો, લોજિસ્ટિક્સ, સિમેન્ટ, ઈન્ફ્રા અને નવીનીકરણીય ઉર્જામાં ₹40,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. અને અમે ત્યાં અટક્યા નથી.
આગામી દસ વર્ષમાં અમે બંદરો, સિમેન્ટ, ડેટા સેન્ટર, ઉર્જા અને અદ્યતન ઉત્પાદનમાં વધુ ₹1,00,000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે આંધ્રપ્રદેશને માત્ર રોકાણ માટેના સ્થળ તરીકે નહીં, પરંતુ ભારતના આગામી દાયકાના પરિવર્તન માટે લોન્ચપેડ તરીકે જોઈએ છીએ.
અમારી પ્રતિબદ્ધતાનો મુખ્ય ભાગ વિઝાગ ટેક પાર્ક છે. તે ફક્ત બીજો ટેક પાર્ક જ નહી પરંતુ ભારતના ડિજિટલ સાર્વભૌમત્વનો પાયો છે. અમે ગૂગલ સાથે ભાગીદારી કરી ગ્રીન એનર્જી સંચાલિત વિશ્વના સૌથી મોટા હાઇપરસ્કેલ ડેટા-સેન્ટર ઇકોસિસ્ટમમાંની એક બનાવી રહ્યા છીએ. સંયુક્તપણે તે $15-બિલિયન વિઝન છે. જે ટકાઉ અને ઉચ્ચ-ટેક વૃદ્ધિના બેવડા ધ્યેયો સાથે સંપૂર્ણ સુસંગત છે.
જો કે, જે બાબત અમને ખરેખર નમ્ર બનાવે છે તે મૂડીનો સ્કેલ નહીં પણ અસરનો સ્કેલ છે. અહીં અમારી કામગીરીથી એક લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થયું છે, અને હજું ઘણું થવાનું બાકી છે. તેનો અર્થ એ છે આ રાજ્યમાં પરિવારોને આર્થિક ટેકો, કૌશલ્ય વિકાસ અને ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ થશે.
આખરે હું શ્રી નાયડુ ગારુ, શ્રી લોકેશ ગારુને કહીશ કે, અમે આપની ગતિને મેળ ખાવાનો પ્રયાસ કરીશું. અમે આપના સ્કેલ સાથે મેળ સાધશું, પરંતુ સૌથી ઉપર, અમે આપની ભાવનાઓનું સન્માન કરીશું.
આપણો દેશ વિકસીત ભારત 2047ના વિઝન તરફ આગળ વધી રહ્યો છે, અને આંધ્રપ્રદેશ સ્વર્ણિમ આંધ્ર 2047 તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે હું માનું છું કે વિકસિત ભારતનો માર્ગ આંધ્રપ્રદેશના હૃદયમાંથી પસાર થાય છે.
મારા પિતા શ્રી ગૌતમ અદાણી અને સમગ્ર અદાણી જૂથ વતી અમને આ યાત્રાનો ભાગ બનવાનો લહાવો મળ્યો છે. અમે આપની સાથે આંધ્રપ્રદેશના ઉજ્જવળ ભવિષ્યમાં સૌથી મોટા રોકાણકાર બનવા પ્રતિબદ્ધ છીએ.

