છેલ્લા ૩-૪ દિવસોમાં તેના શેરના ભાવમાં ૮ ટકાનો વધારો : તેનાથી નેટવર્થમાં પણ ઘણો વધારો થયો છે
Mumbai, તા. ૧
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. છેલ્લા ૩-૪ દિવસોમાં તેના શેરના ભાવમાં ૮ ટકાનો વધારો થયો છે. તેનાથી કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘણો વધારો થયો છે અને ફરી એક વાર તેઓ ૧૦૦ અબજ ડોલરની ક્લબમાં પ્રવેશી ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલીયોનેર્સની યાદી અનુસાર મુકેશ અંબાણી નેટવર્થ ૧૦૬.૧ અબજ ડોલરના સ્તરે સ્પર્શી ગઇ છે. પાછલા શુક્રવારે બજાર બંધ થયા પછી તેણે પોતાના ત્રિમાસિક પરિણમો જારી કર્યા હતા. જે અપેક્ષા કરતા વધુ સારા હતા. તેના પછીનાસતત ત્રણ સત્રોમાં રિલાયન્સના શેરમાં વધારો થયો હતો . આ વર્ષે અત્યાર સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ૧૪.૭૯%નો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં ૯.૯૮%નો વધારો થયો છે. ગત બુધવારે બપોરે ૨.૪૦ વાગ્યે, તે ૦.૫૭% વધીને રૂ. ૧૪૦૮.૩૫ પર પહોંચી ગયો હતો. આ સાથે, કંપનીનું માર્કેટ કેપ ૧૯ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું હતુ. તેનો ૫૨ સપ્તાહનું ઉચ્ચતમ સ્તર રૂ. ૧,૬૦૮.૯૫ છે જ્યારે સૌથી નીચું સ્તર રૂ. ૧,૧૧૫.૫૫ છે.
મુકેશ અંબાણી ભારત તેમજ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી પછી ગૌતમ અદાણીનું નામ આવે છે. ગૌતમ અદાણીની સંપત્તિ ઇં૬૧.૮ બિલિયન છે. અન્ય ભારતીય અબજોપતિઓમાં સાવિત્રી જિંદાલ અને તેમનો પરિવાર (૩૬.૪ અબજ ડોલર), શિવ નાદર (૩૫.૪ અબજ ડોલર), દિલીપ સંઘવી (૨૮.૮ અબજ ડોલર) અને સાયરસ પૂનાવાલા (૨૬.૧ અબજ ડોલર)નો સમાવેશ થાય છે.