Mumbai,તા.૬
મુંબઈમાં તાજ હોટલની સામે એક જ નંબર પ્લેટવાળા બે વાહનો પાર્ક થયેલા જોવા મળ્યા હતા. આ અંગે વાહન ચાલકે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને વાહનોને કોલાબા પોલીસ સ્ટેશન લઈ ગયા અને હવે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આ બંને વાહનો સોમવારે બપોરે લગભગ ૧ વાગ્યે મુંબઈમાં તાજ હોટલની સામે પાર્ક કરેલા જોવા મળ્યા હતા. જે બાદ ઓરિજિનલ રજિસ્ટ્રેશન ધરાવતા વાહનના ડ્રાઈવરે પોલીસને આ અંગે ફરિયાદ કરી હતી. આ બાબતની નોંધ લેતા બંને વાહનોને કોલાબા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ પોલીસ હવે તાજ હોટલની સામે પાર્ક કરેલી બીજી કાર કોની હતી તેની તપાસ કરી રહી છે.તાજ હોટલની સામે પાર્ક કરેલા બંને વાહનોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બંને વાહનો મારુતિ સુઝુકીના છે. આ વાહનોમાંથી એક એર્ટીગા છે, જેનો નંબર એમએચ૦૧ઇ્રુ૩૮૮ છે. જ્યારે તેની પાછળ પાર્ક કરેલી કારનો પણ આ જ નંબર છે. જો કે બીજા વાહનનું કયું મોડલ છે તે જાણી શકાયું નથી.આ રીતે તાજ હોટલની સામે એક જ નંબર પ્લેટવાળા વાહનો મળી આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે .
હકીકતમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ આ લક્ઝરી હોટલ પર પાકિસ્તાનના આતંકીઓએ હુમલો કર્યો હતો. ૬૦૦ રૂમ અને ૪૪ સ્યુટ ધરાવતી તાજ હોટલ પર થયેલા આ હુમલામાં ૧૬૦ થી વધુ લોકો માર્યા ગયા હતા અને ૨૦૦ થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલા બાદ તાજ હોટલની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત છે.