Mumbai, તા.15
દેશમાં રાજસ્થાન જેવા ભાગોમાંથી નૈઋત્ય ચોમાસાની વિદાય શરૂ થઈ છે તેવા ટાણે મુંબઈમાં ફરીવાર મેઘરાજાએ સટાસટી બોલાવી હોય તેમ ભારે વરસાદથી મહાનગર પાણી-પાણી થઈ ગયુ હતું. મોટાભાગનાં વિસ્તારો જળબંબાકાર સાથે નદીમાં ફેરવાઈ ગયા હતા અને મોનોરેલ પણ થંભી ગઈ હતી. જેમાંથી 17 પ્રવાસીઓનું રેસ્કયુ કરાયું હતું.
મહાનગર મુંબઈમાં મોડી રાત્રે અચાનક હવામાન પલટો થયો હતો અને મુશળધાર વરસાદના મંડાણ થયા હતા. મુંબઈગરાઓની સવાર પડી ત્યારે જ મહાનગર પાણી પાણી જોવા મળ્યુ હતું. સર્વત્ર જળબંબાકારને કારણે ટ્રાફીક અવરોધાયેલો રહ્યો હતો અને જનજીવન પ્રભાવીત થયુ હતું. મધ્ય રેલવે માર્ગ પર કુર્લા તથા પશ્ચિમ રેલ્વે નેટવર્કમાં બાંદ્રા સ્ટેશન વચ્ચે રેલવે ટે્રક પર પાણી ભરાયા હતા. એટલે લોકલ ટ્રેન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો હતો.
કોર્પોરેશન-હવામાન વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે મોડીરાતથી વિજળીના કડાકા ભડાકા તથા ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હેતો અને કિંગ્સ સર્કલથી માંડીને અનેક ભાગોમાં પાણી ભરાવા સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા ઉપર ઠેકઠેકાણે ખાડાને કારણે ટ્રાફીક વાહન ચાલકોની હાલત વધુ ખરાબ થઈ હતી.
મોડી રાત્રે મુશળધાર વરસાદ પૂર્વે રવિવારે પણ વરસાદી કહેર જારી રહ્યો હતો.રવિવારે સવારે 8-30 થી સાંજે 5-30 સુધીમાં કોલાબા ક્ષેત્રમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો શાંતાક્રુઝ વિભાગમાં દોઢ ઈંચ વરસાદ હતો.
છેલ્લા ચોવીસ કલાકમાં કોલાબામાં સાડા પાંચ ઈંચ તથા શાંતાક્રુઝમાં 3 ઈંચ વરસાદ હતો. આજે સવારે પણ વરસાદ ચાલુ જ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આજથી રાજસ્થાનનાં અમુક ભાગમાંથી ચોમાસું પાછુ ખેંચાવાની શરૂઆત થઈ જશે.તબકકાવાર દેશનાં અન્ય ભાગોમાંથી પાછુ ખેંચાશે તે પુર્વેજ મેઘરાજાએ મુંબઈમાં આફતનો વરસાદ વરસાવતા મુંબઈગરાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.