Rajkot, તા.1
પવિત્ર નવરાત્રીના પર્વની આજે પૂર્ણાહુતિ થઇ રહી છે. રાજય સરકાર અને રાજકોટ મહાપાલિકા દ્વારા સ્વચ્છોત્સવની ઉજવણી પણ કરવામાં આવી રહી છે ત્યારે મ્યુનિ. કમિશ્નરતુષાર સુમેરાએ ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા અને સ્વચ્છતા માટેની જનજાગૃતિને પ્રોત્સાહન આપવા એક અનોખુ કદમ ઉઠાવ્યું છે. કમિશ્નરે સ્વખર્ચે અલગ અલગ ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ કરી છે.
રાજકોટના તમામ 18 વોર્ડમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. જાહેર માર્ગથી માંડી ધર્મસ્થળો આસપાસ પણ ખાસ સફાઇ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં સંસ્થાઓ, સંગઠનો, જાગૃત નાગરિકો જોડાઇ રહ્યા છે. મહાપાલિકાએ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિનો સંદેશ સતત ફેલાતો રહે તે માટે 18 વોર્ડની ગરબીઓમાં સ્વચ્છતાની થીમ સાથેનો સંદેશ પણ મુકાવ્યો હતો. આ આઇઇસી પ્રવૃતિમાં ભાગ લઇને સંદેશો આપનાર ગરબી મંડળોને કમિશ્નર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
ગઇકાલે કમિશ્નર દ્વારા ગરબીઓમાં બાળાઓ માટે લ્હાણી મોકલવામાં આવી હતી. આજે રાત્રે પણ તેઓ તરફથી લ્હાણી વિતરણ કરવામાં આવનાર છે. 18 વોર્ડની અલગ અલગ ગરબીઓમાં એકાદ હજાર બાળાઓને આ લ્હાણી રૂપે કીટ કમિશ્નરે પહોંચાડી છે. સૌરાષ્ટ્રની પરંપરા અને સ્વચ્છતાના વિચારને જોડીને તેઓએ આ સ્વચ્છ સંદેશો ફેલાવવાનો પ્રયાસ કરનાર ગરબી મંડળોને બિરદાવ્યા છે.