૪૨ મેરેજ સર્ટીફીકેટ કાઢી આપવા માટે લાંચની માંગણી કરી હતી
Veraval , તા.૧૯
ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકાના કચેરીના પટ્ટાવાળા ૪૨ મેરેજ સર્ટીફીકેટ કાઢી આપવા માટે રૂા.૭૩૦૦ ની લાંચ લેતા ગીરસોમનાથ એસીબી શાખાએ ઝડપી લેતા લાંચીયા અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
વધુ વિગત મુજબ વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકાની લગ્ન નોંધણી શાખામાં મેરેજ સર્ટીફીકેટ કઢાવવા માટે ૪૨ ફાઈલ આવી હતી. તે પૈકી સમુહલગ્નની ફાઈલ દીઠ રૂા.૧૦૦ અન્ય ફાઈલો માટે ૨૦૦ લેખે ૭૩૦૦ ની લાંચની પ્યુન ગોવિંદ કામળીયાએ માંગણી કરી હતી. જે લાંચ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ગીરસોમનાથ એસીબી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. તેમાં પી.આઈ. ડી.આર.ગઢવીએ ગોઠવેલા છટકામાં વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકા કચેરી ખાતે પટ્ટાવાળા ગોવિંદ સરમણ કામડીયા રૂા.૭૩૦૦ ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. આ કામગીરી જૂનાગઢ એસીબી એકમના મદદનીશ નિયામક બી.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.