Junagadh તા.4
પટેલ કેળવણી મંડળ સંચાલીત એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગત તા.31/7ના રોજ દિન વિશેષ શ્રેણી અંતર્ગત હિન્દી સાહિત્ય જગતના સુવિખ્યાત સર્જક મુનશી પ્રેમચંદની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રિ.ડો. દિનેશભાઈ ડઢાણીયાએ જણાવ્યું હતું કે મુનશી પ્રેમચંદ 1880માં વારાણસીમાં જનમ્યા હતા.
અતિ ગરીબ પરિવારમાં ઉછેર થયો હોવા છતાં એના જીવન મૂલ્યો ખુબ ઉંચા હતા. દેશ જયારે પરાધીન હતો ત્યારે ગરીબો, મજૂરો, વંચિતો અને ખેડુતોની વેદનાને સંવેદનાને પોતાના કથા સાહિત્યમાં એમણે પ્રગટ કરી છે.
તેમની પાસેથી ‘ગોદાન’, ‘નિર્મલા’, ‘કફન’, ‘રંગભૂમિ’, ‘ઘર જમાઈ’ જેવી કૃતિઓ મળે છે. તેઓ ગાંધીજીથી પ્રભાવિત થઈને સ્વાધીનતા આંદોલનમાં જોડાયેલા હતા અને દેશની આ સ્વાધીનતાની લડતમાં અન્ય નાગરીકોને તૈયાર કરવા માટે જાગૃત કરવા માટે જુદી જુદી પત્રિકાઓના માધ્યમથી પોતાના વિચારો પ્રગટ કરતા હતા.
આવા કથા સમ્રાટ મુનશી પ્રેમચંદ વિશે વિદ્યાર્થીનીઓને પ્રિન્સીપાલે ‘દિન વિશેષ’ શ્રેણીમાં સંબોધન કરીને જણાવ્યું હતું. આજના આ ‘દિન વિશેષ’ કાર્યક્રમના સુંદર આયોજન બદલ પટેલ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુઈ પ્રમુખ સીએ સવજીભાઈ મેનપરા, કોલેજ ઈન્ચાર્જ રતિભાઈ ભુવા અને ટ્રસ્ટી મંડળે શુભેચ્છા પાઠવી હતી.