Jamnagar તા.24
જામનગરના ભોંયવાડા નજીક આજે સવારે નજીવી બાબતમાં ડખ્ખો થતાં બે રાજપૂત યુવા ભાઇઓ ઉપર છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યાની ઘટનાથી શહેરભરમાં ચકચાર જાગી છે. જેના ઉપર હુમલો થયો તે બન્ને ભાઇઓ જામનગર શહેર ભાજપના ભૂતપૂર્વ મહામંત્રીના પુત્રો થતાં હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી અને 108ની મદદથી બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હાસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર સાધના કોલોની વિસ્તારમાં રહેતાં રાજપૂત આધેડ આજે સવારે રિક્ષા લઇને મોટી શાકમાર્કેટ નજીક શાકભાજી લેવા ગયા હતાં ત્યારે કોઇ સાથે રીક્ષાની સામાન્ય ટક્કર થઇ હતી જેના કારણે બોલાચાલી થઇ હતી. વાતવાતમાં મામલો બિચકતાં આ આધેડે પોતાના બે ભત્રીજા અનિરૂધ્ધસિંહ અને અમરદિપસિંહને જાણ કરી બોલાવ્યા હતાં. આ બન્ને યુવકો સાથે પણ ઉગ્ર બોલાચાલી જતાં તેના ઉપર છરીથી હુમલો કરાયો હતો.
આ ઘટનાને પગલે લોકોમાં નાશભાગ મચી ગઇ હતી. ઘવાયેલા બન્ને યુવકોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં રાજપૂત સમાજના આગેવાનો સહિતના લોકો હોસ્પિટલ દોડી ગયા હતાં.
ઘવાયેલાં બે ભાઇ પૈકી એકને વધુ ઇજા હોવાથી તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઇ જવાયા હતાં જ્યારે બીજા ભાઇને ટાંકા લઇ પાટાપીંડી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે હુમલો કરનાર તરીકે નજીક જ આવેલ ભોંયવાડા વિસ્તારમાં રહેતાં યુવાન હોવાનું ચર્ચાઇ છે. જેના ઉપર હુમલો થયો છે તે અનિરૂધ્ધસિંહ અને અમરદિપસિંહ પરમાર જામનગર શહેર ભાજપના ભૂતપૂર્વ મહામંત્રી સ્વ.મહિપતસિંહ પરમારના પુત્રો થતાં હોવાનું જાણવા મળે છે.
આ બનાવની જાણ થતાં વોર્ડ નં.2ના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા તથા કોંગ્રેસ અગ્રણી મહિપાલસિંહ જાડેજા પણ જી.જી.હોસ્પિટલ દોડી ગયા હતાં. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ અને તપાસની તજવીજ હાથ ધરી છે.

