Morbi, તા.28
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પ્રજાસત્તાક દિવસથી અર્થપૂર્ણ પહેલ કરવામાં આવેલ છે અને પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન ગીતાંજલી વિદ્યાલયના સહયોગથી તથા બાલાજી પ્લાસ્ટિકના સહકારથી શરૂ કરી છે ઉલેખનીય છેકે, સંસ્થાના સભ્યો દ્વારા દેશની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને રાષ્ટ્રીય ફરજ માનીને આ અભિયાનની શરૂઆત મોરબીમાં સ્કૂલોથી કરવામાં આવી છે.
વધુમાં માહિતી આપતા સંસ્થાન સભ્યોએ જણાવ્યુ હતું કે, આ અભિયાન અંતર્ગત સ્કૂલોમાં પ્લાસ્ટિક સંગ્રહ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક બોટલો, થેલીઓ, પેકેટ્સ તથા અન્ય બિનઉપયોગી પ્લાસ્ટિક કચરો જમા કરાવી શકે છે. એકત્રિત થયેલ પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવશે અને તેમાંથી ઉપયોગી તથા પર્યાવરણમિત્ર વસ્તુઓ તૈયાર કરવામાં આવશે.
મુસ્કાન વેલફેર સોસાયટીના જણાવ્યા અનુસાર પ્રજાસત્તાક દિવસથી શરૂ કરાયેલ આ અભિયાનને આવનારા સમયમાં મોરબીની વધુ સ્કૂલો અને વિસ્તારો સુધી વિસ્તૃત કરવામાં આવશે. અને મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તરફ એક મજબૂત પગલું સંસ્થા દ્વારા ભરવામાં આવ્યું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

