Rajkot, તા.7
હઝરત ઇમામ હૂસેન અને તેના 72 સાથીદારોએ વ્હોરેલી શહાદતની યાદમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમનો પર્વ આસ્થાભેર ઉજવવામાં આવેલ હતો.
જેમાં ગત શનિ અને રવિાર એમ બે દિવસ કલાત્મક તાજીયાના ઝુલુસ ઠેર-ઠેર નીકળ્યા હતાં જેમાં લાખોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતાં. ગત રાત્રિના ઝુલુસ બાદ તાજીયા ટાઢા થયા હતાં જયારે ગઇકાલે તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદારોએ આસુરાની નમાઝ અદા કરી હતી.
કાલાવડ
કાલાવડ તાલુકાના નિકાવા ગામે મોહરમ ના પવિત્ર અવસરે ભવ્ય ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં અશુરા નિમિત્તે તાજિયા યાત્રા યોજવામા આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભાઈચારો અને એકતા જોવા મળી હતી.
તાજિયાની ભવ્ય યાત્રા નિકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા. તાજિયા સાથે શોકપ્રદ માહોલ અને યા હુસેનના નારા સાથે લોકો હજરત ઈમામ હુસેન (અ.સ.)ની શહાદતને યાદ કરતાં જોવા મળ્યા હતા.
પ્રશાસન દ્વારા યોગ્ય પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ અને તંત્રની તમામ વ્યવસ્થા ઊભી રાખવામાં આવી હતી. તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા તાજિયા યાત્રા માર્ગે પીવાના પાણી અને આરામગૃહ જેવી સેવાઓ આપવામાં આવી હતી. તંત્ર અને સમાજના આગેવાનો તરફથી શાંતિપૂર્ણ ઉજવણી માટે નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તે સમગ્ર તંત્ર અને સમાજના સહયોગથી મોહરમ ની ભવ્ય ઉજવણી શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે નિકાવા ગામે સંપન્ન થઇ હતી.
વિંછીયા
વિછીયામાં મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા નું વરસતા વરસાદમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું મુસ્લિમોની સાથે હિન્દુઓએ પણ શ્રદ્ધાપૂર્વક શ્રીફળ વધેરી તાજીયા ના દીદાર કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.રાજગઢ ચોક ખાતે હુલ અને અંગ કસરત ના જીવ સટોસટ ના દાવ જોવા વિંછીયા અને પંથક ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સાંજના દરગાહ ખાતે તાજીયા ઠંડા કરાયા હતા.
ગોંડલ
ગોંડલમાં ઇમામ હૂસેન ની શહાદતની યાદમાં કલાત્મક તાજીયા પડમાં આવ્યા હતાં. અત્રે રાજાશાહી વખતથી દેવપરામાં કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે જેનો લાયન્સ કલબ દ્વારા પુરસ્કાર મળ્યો હતો.
સલાયા
સલાયામાં મોહરમમાં તાજિયા પડમા આવ્યા છે.જેમાં મુસ્લિમ ભડેલા જમાતના તાજિયાને સુંદર રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે. ભાવિકોએ દુઆ અને માનતાઓ પૂરી કરી હતી. આ તાજિયા સલાયા ભડેલા જમાત,શબ્બીરો શબર કમીટી તથા સૌ મુસ્લિમ બિરાદરોના સાથ સહકારથી કરવામાં આવેલ હતા જેના ભડેલા જમાતના પ્રમુખ ગફાર ભાઈ કેરના માર્ગદર્શન મુજબ સમગ્ર આયોજન કરવામાં આવે છે. સુન્ની મુસ્લિમ જમાત દ્વારા પણ સુંદર રીતે મોહરમ મનાવાઇ છે. તેમજ શેરીઓ ગલીઓમાં સુંદર શણગાર કરવામાં આવ્યા હતો.
મોટેી પાનેલી
મોટી પાનેલીમાં હિંદુ મુસ્લિમ ભાઈચારાની ભાવનાથી મોહરમ પર્વ મનાવવામાં આવેલ હતો. કરબલાના શહીદોને અંજલી અર્પણ કરવામાં આવી હતી. મહોરમ નિમિત્તે મોટી પાનેલીમાં મોહનનગરમાં તાજિયાનું જુલુસ નીકળેલું હતું જે સીદસર રોડથી બસ સ્ટેશન ઇન્ડિયન બેંક રોડ થઈને મસ્જિદે પહોંચેલ તેમજ મંધ્રા પા ના તાજીયા તેમજ મસ્જિદના તાજીયા ત્રણેય તાજીયાઓનું જુલસ નીકળેલું હતું.
રવિવારે બપોર પછી પડમાં આવેલા તાજીયા નું હિંદુ ભાઈઓએ સ્વાગત કરેલું હતું તેમ જ પ્રસાદી પણ અર્પણ કરેલી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ નમાજ તથા આંસુરા આદા કરી કરબલાના શહીદોને અંજલી અર્પણ કરેલ હતી. આ પ્રસંગે કાયદો તથા વ્યવસ્થા પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ હોમગાર્ડ ના ભાઈઓએ વ્યવસ્થા સંભાળેલી હતી.
કુવાડવા
કુવાડવા ન્યાઝ હુસેન સબીબ કમિટિ તથા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કલાત્મક તાજીયા બનાવાયા હતા. આ તાજીયાનું જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલ હતું. શનિવારે સાંજે તાજીયા પડમાં આવ્યા બાદ રવિવારે માતમમાં રહ્યા હતાં. સુની મુસ્મિ જમાતના આગેવાન હુસેનભાઇ ધોણીયા, અલીભાઇ ધોણીયા, અસ્લમભાઇ તથા હબીબભાઇની આગેવાનીમાં તાજીયાનું ઝૂલુસ કાઢવામાં આવ્યું હતું.
સાવરકુંડલા
સાવરકુંડલામાં મહોરમની ઉજવણી કરવામાં આવ હતી. મહોરમ એ હજરત હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની કરબલા ખાતે સત્ય અને ન્યાય માટે આપેલી શહાદતની યાદમાં મનાવવામાં આવે છે . મોહરમ ઈસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિનો છે અને તેને ઇસ્લામી નવા વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે.
ગત રાત્રીથી સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લા ભરમાં કલાત્મક તાજીયા પડમાં આવ્યા હતા. સાવરકુંડલામાં સંધિ ચોક લીમડી નીચે મણીનગર સહિતના વિસ્તારોમાં મોહરમની મજલિસ પૂર્ણ થયા બાદ મોહરમ અને તાજીયા ની સવારી નીકળી હતી. આ પ્રસંગે બિરાદરો માટે અલગ અલગ જગ્યા ઉપર ન્યાસની પ્રસાદીની પણ વ્યવસ્થા ખાસ કરવામાં આવે હતી.
કોડીનાર
શહીદે કરબલા હઝરત ઇમામ હુસેન રદી. ની શહાદતની યાદમાં કોડીનાર મુસ્લિમ સમુદાય દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ભારે શાનો શોકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. કોડીનાર ખાતે બન્ને મુખ્ય તાજીયા પડ માં આવ્યા બાદ મોડીરાત્રે સામૈયા સાથેનું ઝુલુસ કાદરી મસ્જીદ ચોકમાં આવી પહોંચ્યા બાદ બડેભાઈના હુલામણા નામથી મશહુર કાપડના કલાત્મક તાજીયા રાત્રીના 2 વાગ્યે તખ્ત ઊપરથી ઉપડ્યા બાદ આખી રાત ચોકારા સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફર્યા હતા.
જ્યારે બુખારી મોહલ્લામાં કતલની રાતે ગમગીન માતમ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ગઇકાલે આશુરાના દિવસે ઝોહરની નમાઝ બાદ કોડીનારના મુખ્ય બન્ને તાજીયાઓનું વિશાળ ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.જેમાં શિઆ ઇસના અસરી સમાજ દ્વારા બુખારી મોહલ્લામાં બનાવવામાં આવતા છોટેભાઈના હુલામણા નામથી મશહૂર 32 ફૂટ લાંબા અને 3 ટન જેટલું વજન ધરાવતાં ઉંચા કલાત્મક તાજીયા લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
વડિયા
ભારત બિનસંપ્રદાયીક દેશ હોવાથી દેશમાં તમામ ધર્મના તહેવાર કોમી એકતા સાથે હળી મળીને ઉજવવામાં આવે છે.મુસ્લિમ ધર્મના મોહરમ તહેવારની ઉજવણી પણ સમગ્ર દેશમાં વસવાટ કરતા મુસ્લિમ લોકો દ્વારા કરવામા આવી હતી. અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડીયા શહેરમાં મોહરમ ની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ માટે વડિયા ના મુસ્લિમ યુવાનો દ્વારા છેલ્લા એક મહિનાથી તાજીયાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને શનિવારે રાત્રીના 12 વાગ્યે તાજીયાસ પડ મા આવ્યા હતા તો રવિવારે વડીયા શહેરમાં તાજીયા ગાયત્રીચોક ખાતે આવેલી મસ્જીદ ખાતેથી નીકળ્યા હતા જે શહેરના ગાંધીચોક રામજીમંદિર પાસે હિન્દૂ ધર્મના બ્રહ્મહસમાજના યુવાનો રજની તેરૈયા અને વિશાલભાઈ જોષી દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને આઈસ્ક્રીમ નું વિતરણ કરાયું હતું ત્યારે વડિયાની બજારમાં હિન્દૂ મુસ્લિમ એકતા ના પ્રતીક સમા દ્રશ્યો જોવા મળ્યા હતા.
બોટાદ
મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર તહેવાર મોહરમ નિમિત્તે બોટાદ શહેરમાં રવિવારે સાંજે રાજમાર્ગો ઉપર યા હુસેન યા હુસેન ના નારા સાથે અલગ અલગ તાજીયા કરવામાં આવેલ બોટાદમાં લીમડા ચોક, દિન દયાળ ચોક, ટાવર રોડ, સ્ટેશન રોડ, જ્યોતિગ્રામ સર્કલ વગેરે જગ્યાએ તાજીયા નું ઝુલુસ કાઢવામાં આવેલ અને મોડી રાત્રે તાજીયા ટાઢા કરવામાં આવેલ હતા.
પ્રભાસપાટણ
પ્રભાસ પાટણમાં મહોરમનો તહેવાર પરંપરાગત રીતે સમસ્ત મુસ્લિમ દ્વારા ઉજવવામાં આવેલ હતો. પ્રભાસ પાટણ માં ચોગાનચોક કોલોની પઠાણ વાળા મદાર ઓટા વિસ્તારમાં ઘાંચીવાડા સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજીયા બનાવ્યા હતા. અને રવિવારે બપોર બાદ જુલુસ રૂપે શહેરમાં ફરી હિરણ નદીએ તાજીયા ટાઢા કરવામાં આવ્યા મોહરમનો તહેવાર ભાઈચારા શાંતિથી ઉજવાયો હતો.
વેરાવળ
વેરાવળમાં મહોરમનું તાજીયા જુલૂસ નીકળ્યું હતું. 60 થી વધુ તાજીયા સાથે શાંતિપૂર્ણ રીતે જુલૂસ સંપન્ન થયેલ હતું અને જાલેશ્ર્વર સમુદ્ર કિનારે તાજીયા ટાઢા કરાયા હતા.
મુસ્લિમ સમાજમાં મહોરમ એ હજરત ઇમામ હુસેન અને કરબલાના શહીદોની સ્મૃતિમાં મનાવવામાં આવતો શોકનો તહેવાર છે. હજરત ઇમામ હુસેને 71 સાથીઓ સાથે શહાદત વહોરી હતી. આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો ઉપવાસ રાખે છે અને દાન-પુણ્યનાં કાર્યો કરે છે.
જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ અને બહેનો જોડાયા હતા. માર્ગ પર ઠેર-ઠેર ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામીની આગેવાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ડારી
વેરાવળ તાલુકાનાં ડારી ગામે મોહરમના તહેવાર નીમીત્તે તાજીયાનું જુલુસ કાઢ્યું હતું. તાજીયા ને સુંદર રીતે ડેકોરેશન કરેલ હતું. આ તહેવાર નીમીત્તે ડારી ગામ ના સરપંચ ફારૂકભાઈ આકાણી, મુસ્લિમ સમાજના પ્રમુખ ઈસ્માઈલભાઈ ઘરડેરા ,ઈરફાન ભાઈ,જમાલ ભાઇ,આમદભાઈ આકાણી તથા ઈભરૂ ભાઈ આકાણી, અલ્તાફ બાપુ, જેવા આગેવાનો હાજર રહ્યા હતાં.આ તહેવાર ડારી ના મુસ્લીમ બિરાદરો ના સાથ સહકાર થી મનાવ્યું હતું.