New Delhi,તા.01
ભારતીય નાગરિકતા ધરાવતી એક ગર્ભવતી મહિલાને કથિત રીતે યોગ્ય વેરિફિકેશન વિના જ ભારતમાંથી બાંગ્લાદેશમાં બળજબરીથી મોકલી દેવાના કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મહિલા હાલમાં ગર્ભવતી છે અને બાંગ્લાદેશની સરહદથી લગભગ 40 કિમી દૂર એક જેલમાં બંધ છે. મહિલાના પિતાએ આ મામલે કોર્ટમાં યાચિકા દાખલ કરી છે.
વરિષ્ઠ ઍડ્વૉકેટ સંજય હેગડેએ કોર્ટને જણાવ્યું કે મહિલાનું નામ સોનાલી છે, અને તે ગર્ભવતી હોવા સાથે આખો પરિવાર બાંગ્લાદેશમાં અટકાયતમાં છે. તેમણે કોર્ટને સોનાલી અને તેના પરિવારને માલદા પાછા લાવવાની તાત્કાલિક મંજૂરી આપવા વિનંતી કરી. પિતાએ કોર્ટમાં ભાવુક અપીલ કરતાં કહ્યું કે, “હું ભારતીય નાગરિક છું, મારી દીકરી ભારતીય છે, પરંતુ તેને બળજબરીથી દેશની બહાર કરી દેવામાં આવી છે.”
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ યાચિકા પર તાત્કાલિક દખલગીરી કરતાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે “માનવીય આધાર પર, તેને પાછી આવવા દેવામાં આવે. જો જરૂર હોય તો, તેને દેખરેખ હેઠળ રાખો, હૉસ્પિટલમાં રાખો, પરંતુ તેને ભારત પાછી લાવો.” કોર્ટે આ મામલે સોલિસિટર જનરલને પણ હાજર રહેવા જણાવ્યું છે અને તે હાજર થશે ત્યારે આ કેસની ફરીથી સુનાવણી કરવામાં આવશે.
બીજી તરફ, પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં એક ચિંતાજનક પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદાર યાદીની સઘન ચકાસણીનું અભિયાન શરુ થતાં જ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારત છોડીને પાછા પોતાના દેશ બાંગ્લાદેશ તરફ જઈ રહ્યા હોવાનું કહેવાય છે. આ સ્થિતિ ખાસ કરીને બંગાળના સરહદી વિસ્તારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જ્યાં ઘણા દિવસોથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સતત ભારત છોડી રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 પહેલાં શરુ થયેલી મતદાર ઓળખ પત્રની ચકાસણીની આ પ્રક્રિયાના કારણે ગેરકાયદે પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.

