‘જોલી એલએલબી ૩’ના અભિનેતા અરશદ વારસીએ રાજ શમાનીના પોડકાસ્ટમાં હાજરી આપી હતી
Mumbai,, તા.૩૧
કોઈ પણ વ્યક્તિના જીવનમાં માતા-પિતાનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ અભિનેતા અરશદ વારસીને તેમનો સાથ લાંબો સમય ન મળ્યો. જ્યારે તે ફક્ત ૧૪ વર્ષનો હતો, ત્યારે તેના માતા-પિતાનું નિધન થઈ ગયું હતું. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન, અભિનેતાએ આ બંનેને ગુમાવવા વિશે વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે તેણે આખી દુનિયા સમક્ષ મજબૂત દેખાવાનો પ્રયાસ કર્યો હતો.‘જોલી એલએલબી ૩’ના અભિનેતા અરશદ વારસીએ રાજ શમાનીના પોડકાસ્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન, તેણે તેની કારકિર્દી, તેતી પત્ની અને બોલિવૂડમાં સફળતા મેળવતા પહેલાંના સંઘર્ષો વિશે વાત કરી. તેણે સ્વીકાર્યું કે તેને તેના પરિવાર સાથેની વધુ યાદો નથી, કેમ કે તેણે તેનું મોટા ભાગનું બાળપણ બોર્ડિંગ સ્કૂલમાં વિતાવ્યું હતું. તેણે કહ્યું, ‘હું ૮ વર્ષની ઉંમરે બોર્ડિંગ સ્કૂલ જતો રહ્યો હોવાથી, મારા બાળપણની વાત આવે ત્યારે મને મારા પરિવાર કરતાં મારી સ્કૂલની યાદો વધુ આવે છે.’પોતાની માતા વિશે વાત કરતાં અરશદ વારસીએ જણાવ્યું કે, ‘તેમની છેલ્લી યાદ એક ભયાનક યાદ છે, જે આજે પણ મને સતાવે છે. મને આજે પણ યાદ છે કે પિતાના નિધન બાદ મારા મમ્મીને કિડની ફેલ્યોર થયું હતું અને તેઓ ડાયાલિસિસ પર હતા. ’અભિનેતાએ આગળ જણાવ્યું કે, ‘મારા મમ્મી એક સાધારણ ગૃહિણી હતાં, જે ખૂબ જ સરસ જમવાનું બનાવતાં. તેમને કિડની ફેલ્યોર હોવાથી તેઓ ડાયાલિસિસ પર હતાં. ડોકટરોએ અમને તેમને પાણી આપવાની મનાઈ કરી હતી, તેમ છતાં તેઓ વારંવાર પાણી માંગી રહ્યાં હતાં. હું તેમને વારંવાર ના પાડતો રહ્યો. તેમનું નિધન થયું તે પહેલાંની રાત્રે, તેમણે મને બોલાવીને ફરીથી પાણી માંગ્યું. તે જ રાત્રે તેમનું નિધન થઈ ગયું અને આ વાત મને અંદરથી તોડી ગઈ.’અરશદ વારસીએ આ અંગે વધુમાં કહ્યું કે, ‘મારા અંદરનો એક ભાગ મને વારંવાર કહે છે કે જો મેં તેમને પાણી આપી દીધું હોત અને તે પછી તેમનું નિધન થઈ ગયું હોત, તો હું આખી જિંદગી એવું વિચારતો કે તેમનું મૃત્યુ એટલા માટે થયું કારણ કે મેં તેમને પાણી આપ્યું. જોકે હું એ વાત માટે આભારી છું કે, મારે જીવનભર આ અપરાધભાવ સહન કરવો ના પડ્યો. પરંતુ હવે વધુ વિચાર કરતા મને લાગે છે કે મારે મારા મમ્મીને ત્યારે પાણી આપી દેવું જોઈતું હતું. તે સમયે હું એક બાળક હતો અને હું ડોક્ટરની વાત માનવા માંગતો હતો. આજે હું તે નિર્ણય લઈ શકું છું અને હોસ્પિટલમાં છેલ્લો દિવસ વિતાવવાને બદલે મારા પરિવાર સાથે રહેવાનું પસંદ કરી શકું છું. આપણે બીમાર વ્યક્તિ વિશે ક્યારેય વિચારતા નથી, પરંતુ આપણા અપરાધભાવના આધારે નિર્ણયો લઈએ છીએ.’




