Ahmedabad,તા.20
પતિ અને પત્ની વચ્ચેના વિવાદમાં સંતાનો `સેન્ડવીચ’ બનીને માનસીક રીતે પિડા અનુભવતા હોય છે. તે સમયે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક માતાએ તેનો પુત્ર તેની સાથે વાતચીત પણ કરતો નહી હોવાની વ્યથા ઠાલવીને કરેલી રજુઆતમાં હવે કાનૂન પણ શું કરી શકે તેના પર સૌની નજર છે.
પતિથી અલગ થયેલી અને છુટાછેડા મેળવનાર 40 વર્ષની મહિલાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું કે, અમેરિકામાં અભ્યાસ કરતો તેનો પુત્ર તેની સાથે ફોનમાં વાતચીત કરતો નથી અને ટેક્ષ મેસેજનો પણ જવાબ આપતો નથી.
અગાઉ 2021માં મહિલાએ તે સમયે સગીર રહેવા તેના પુત્રને મળવા માટેના હકકની માંગણી કરતા જણાવ્યું કે, તેના પતિ આ પ્રકારે મળવા દેતા નથી અને દરેક સમયે કોઈને કોઈ વિધ્ન ઉભા કરે છે પણ બાદમાં તેનો પુત્ર 18 વર્ષનો થયો અને તેથી માતા-પિતાના હકક કરતા પુત્રનો નિર્ણય જ મહત્વનો બની ગયો હતો.
હાઈકોર્ટ સમક્ષ આવેલા કેસમાં ગત જૂન માસમાં અલગ પડેલા પતિ-પત્ની આ પ્રકારના મુદે થોડું જતું કરે તેવા અભિગમ સાથે સમાધાનનો પ્રયાસ કર્યો પણ તે બાદ તેમનો પુત્ર અભ્યાસ માટે અમેરિકા ચાલ્યો ગયો પછી માતાએ ફરિયાદ કરી કે તેના કોલનો જવાબ આપતો નથી અને ટેક્ષ મેસેજ પણ અનુતર રહે છે.
તેણે આ માટે પણ તેના પુર્વ પતિને જવાબદાર ગણાવ્યા હતા. માતાએ પુત્ર માટે રૂા.2 લાખ ખર્ચી સ્માર્ટફોન સહિતની ભેટ આપી હતી. છતાં પણ તેનો પુત્ર કોઈ લાગણી દેખાડતો નથી અને તેનો નંબર બ્લોક કરી દીધા છે.
જો કે પતિ તરફથી રજુઆત થઈ કે પુત્ર હવે 18 વર્ષનો થઈ ગયો છે અને તેથી તેને ઈચ્છા વિરુદ્ધ કોઈ ફરજ પાડી શકાય નહી. તેઓએ પુત્રને સમજાવવા પ્રયાસ કર્યો પણ કોન્ફરન્સ કોલથી પણ તેના માતા સાથે જોડવા પ્રયાસ કર્યો પણ પુત્રએ ધમકી આપી કે તેને જો કોઈ વાતચીતની ફરજ પડાશે તો તે પિતા સાથે પણ વાતચીત બંધ કરી દેશે.
આ યુગલ વચ્ચે પ્રારંભથી જ વિવાદ હતો. પુત્ર જન્મ બાદ માતા ઘર છોડીને ચાલી ગઈ હતી અને પિતાએ જ પુત્રને મોટો કર્યો અને બન્ને વચ્ચે અનેક કાનૂની કેસ છે. હવે હાઈકોર્ટના 24 નવે.ના સુનાવણી રાખીને બન્ને પક્ષને તેનું વલણ નિશ્ચિત કરવા કહ્યું હતું.

