ભાવનગર,તા.૧
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કાપરડી, વિરડી, ખોપાળા, સહિત આસપાસના ગામોમાં એકાદ મહિનાથી ભેદી અવાજ સાથે હળવી ધ્રુજારી જેવા આંચકા અનુભવાઈ રહ્યા છે. તો ક્યારેક વધુ ધુજારી પણ આવે છે. જેથી લોકો ભયભીત બનીને બહાર દોડી આવે છે. આ ગામોના લોકો છેલ્લા એકાદ મહિનાથી ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે.
વિરડી, કાપરડી અને ખોપાળા ગામોમાં આંચકા અને અવાજની ઘટનાઓ વારંવાર નોંધાઈ રહી છે. જેના કારણે ગ્રામજનોમાં ભય અને આશંકાનો માહોલ સર્જાયો છે. ગામના સરપંચો અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, પાંચ વર્ષ પહેલા પણ આવી રીતે એકાદ મહિનો ભેદી અવાજ અને આંચકા અનુભવાતા હતા. ત્યારે ફરીવાર આંચકા શરૂ થયા છે. દરરોજ દિવસના કે રાતના સમયે આંચકા અનુભવાય છે અને સાથે ભેદી અવાજ સંભળાય છે. આ અચાનક થતી ધ્રુજારીને લઈને ગામમાં કેટલાય મકાનોમાં તિરાડો પડી છે. ત્યારે લોકોમાં ચિંતાનો માહોલ છે. ગ્રામજનો દ્વારા તંત્ર તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે. જેથી આ અવાજ અને આંચકાનું ખરું કારણ બહાર આવી શકે.
ગઢડાના ત્રણ ગામોમાં આંચકા અનુભવાતાં હતા. પરંતુ હવે ગઢાળી, ચિરોડા, લાખણકા, વનાળી, સાજણાવદર સહિતનાં ગામોમાં પણ આંચકા અનુભવાયા હોવાનું ગામ લોકોએ જણાવ્યું. ત્યારે તંત્ર તપાસ કરે ત્યારે જ ભેદી અવાજ અને આચકાનો ભેદ ઉકેલાય અને સાચું કારણ સામે આવશે.
તો બીજી તરફ, ધરા ધ્રુજાવાની જાણ થતા ગઢડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સર્કલ ઓફિસર દ્વારા વિરડી સહિતના ગામોની મુલાકાત કરી જાગૃતિ રાખવા અને ડરનો માહોલ નહી ફેલાવા મીટિંગ યોજી આંચકા અનુભવાયા હોવાની પુષ્ટિ કરી હતી.
તપાસમાં સામે આવ્યું કે, આ ધરતીકંપ નહી પરંતુ ભૂકંપ સ્વોર્મ છે. એટલે ઘણા નાના ભૂકંપોનો સમૂહ, જે થોડા દિવસો કે અઠવાડિયા કે મહીના સુધી એક જ વિસ્તારમાં સતત થતો રહે છે. સ્વોર્મ એક જેવા હોય છે. જે આપોઆપ બંધ થઈ જતા હોય છે. અને તેનાથી કોઈ નુકસાન પણ થતુ નથી. આ વર્ષે ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં ખૂબ જ ભારે વરસાદ પડવાના લીધે કદાચ વધારાના પાણીના કારણે હાલના ધ્રૂજારા શરૂ થયા હોવાનું અનુમાન છે.

