Vadodara,તા.07
નર્મદા કિનારે છેલ્લા છ દાયકાથી રહેતા વયોવૃધ્ધ સંતે આજે પણ યુવાનને શરમાવે તેવી તંદુરસ્તી અને સંકલ્પ સાથે રોજ ૯ વાર નર્મદા સ્નાન કરવાનો ક્રમ જાળવી રાખ્યો છે.
રામપુરા ખાતે યોગાનંદ આશ્રમ તેમજ ગોરા કોલોની સ્થિત શૂલપાણેશ્વર મહાદેવના આશ્રમ જેવા સ્થળોએ રહી સતત નર્મદાના ખોળે વિહરતા ૭૮ વર્ષીય સંત સાંવરિયા મહારાજનો જન્મ મોરબીના જેલ ક્વાર્ટરમાં થયો હતો અને તેમનું પૂર્વાશ્રમનું નામ કેશવજી કુંવરજી પટેલ હતું.પરંતુ હવે તેઓ સાંવરિયા મહરાજ અને છોટે ગાંધીના નામે જ ઓળખાય છે.

ચૈત્ર મહિનામાં યોજાતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું મહત્વ વધારવામાં સાંવરિયા મહારાજનંપ યોગદાન મહત્વનું છે.આ દરમિયાન તેઓ ભક્તો સાથે સતત પરિક્રમા કરે છે અને આખો મહિનો રોજ ૨૯ સ્નાન કરતા હોય છે.
ઉત્તરવાહિની નર્મદાની ૧૧૧૮ વખત પરિક્રમા કરનાર સાંવરિયા મહારાજે વાહન મારફતે નર્મદાની આખી ૩૦૦૦ થી વધુ કિમીની પરિક્રમા ૩૨૦ વખત કરી છે.જ્યારે ૭ વાર પગપાળા આખી પરિક્રમા કરી છે.
વડોદરા આવેલા સાંવરિયા મહારાજે નર્મદામાં થતા રેતીખનન અને નદીના પ્રદૂષણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.તેમણે પરિક્રમાવાસીઓ માટે સુવિધા કરવા માટે સરકારને વારંવાર અપીલ પણ કરી છે.