Bharuch,તા.૬
ભરૂચમાં નર્મદાની જળસપાટી ભયજનક સપાટીને પાર પહોંચી ગઈ છે. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનું જળસ્તર ૨૭ ફૂટને પાર વટાવી ગયું છે. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનું વોર્નિંગ લેવલ ૨૨ ફૂટ પહોંચ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભરૂચ, હાંસોટ, અંકલેશ્વર સહિત ૧૪ ગામોને પણ એલર્ટ કરાયા છે.
ભરૂચ ગોલ્ડનબ્રિજે નર્મદાનું જળસ્તર વોર્નીગ લેવલ ૨૨ ફૂટ વટાવીને ૨૪ ફૂટ ભયજનક સપાટી છે. હાલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી ૨૭ ફૂટ પાર કરી છે. જે ભયજનક સપાટી થી ત્રણ ફૂટ ઉપર દેખાઈ રહી છે. સરદાર સરોવર ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં ગતરોજ રાત્રીએ ૫ લાખ પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે બપોરથી આજે ચાર લાખ યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ખાલપિયા તરીયા, ધન્તુરિયા, કાંસિયા, બોરભાઠા બેટ, ભાઠા, સક્કર બોરભાઠા, અને ભરૂચની ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી તેમજ બહુચરાજી ઓવારા પર રહેતા લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા પણ માછીમારોને નદી નહીં ખેડવા અપીલ કરવામાં આવી છે. જો ૨૪ ફૂટની ઉપર સપાટી જાય તો ભરૂચ જિલ્લાના હાંસોટ, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના ૧૪ ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ છાપરા અને જૂના કાંસિયા વચ્ચેનો માર્ગ નર્મદાના નીરથી જળમગ્ન થયો છે. બંને ગામ વચ્ચે આવેલ આ રોડ પર નર્મદાના પાણી ગામો વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તેમજ ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર છેડે આવેલ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં પણ કમર સુધીના પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
નર્મદા ડેમ માંથી ૧૧ વાગે વધુ ૪ લાખ ક્યુસેક પાણી છોડાયુ છે. નર્મદા નદી અને ઓરસંગ નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પાણીને લઈને ગ્રામજનોએ બચાવ કામગીરીની તડામાર તૈયારી કરી લીધી છે. કરનાળી નાંદેરિયા ગામમાં નર્મદાના પાણી ભરાયા. તંત્ર દ્વારા તબક્કાવાર પાણી છોડતા ગ્રામજનોમાં હાશકારો અનુભવાયો છે. નાવિકો પણ નાવડીઓ મૂકી સેવા કરવા સજ્જ થયા. વર્ષ ૨૦૨૩ માં યાત્રાધામ ચાંદોદમાં પૂર આવ્યું હતું. તે સ્થિતિ ફરી સર્જાય તેવું લાગી રહ્યુ છે. હાલ તકેદારીના ભાગ રૂપે ડભોઇ તાલુકાના ૭ ગામોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં વરસાદને લઈને નર્મદા ડેમ પોતાની મહત્તમ સપાટી વટાવી ચૂક્યું છે. જેના કારણે નર્મદા ડેમમાંથી બે દિવસ દરમિયાન અંદાજે તબક્કા વાર ૧૫ લાખ જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. જેની સીધી અસર નર્મદાના કાંઠા વિસ્તારમાં થવા પામી છે. ત્યારે આજે બીજી બાજુ છોટાઉદેપુર અને બોડેલીમાં વધુ વરસાદ હોવાથી ઓરસંગ નદી પણ ગાંડીતૂર બની છે. જેના કારણે નર્મદા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. એટલું જ નહીં ચાંદોદ ખાતે આવેલ ઐતિહાસિક મહારવ ઘાટના ૧૦૮ પગથિયા પૈકી ૧૦૨ પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. જેને લઇને ગ્રામજનોની ચિંતામાં વધારો નોંધાયો હતો જેથી ગ્રામજનો દ્વારા પણ ઘાટ પર આવેલી દુકાનોનો સામાન ખચડવાની નોબત પડી હતી તો બીજી બાજુ પંચાયત દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોમાં જઈ જે લોકો રહેતા હોય તેઓને સલામત જગ્યા ઉપર ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ મહત્વની વાત એ છે કે તંત્ર દ્વારા તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ નથી થતું. તેથી ગ્રામજનો દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉપરવાસમાં વરસાદને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તે જોવાનું રહ્યું.