બાપુનગરમાં રહેતા યુવકને સમલૈંગિક સંબંધ રાખવા માટે ગે-ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું ભારે પડી ગયું છે
Ahmedabad તા.૧૪
બાપુનગરમાં રહેતા યુવકને સમલૈંગિક સંબંધ રાખવા માટે ગે-ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું ભારે પડી ગયું છે. યુવકે એપ્લિકેશન મારફતે કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં મુલાકાત ગોઠવાઈ હતી. દરમિયાન ત્રણ લોકોએ ભેગા થઈને યુવકને ઢોર માર મારીને યુવકનો મોબાઈલ ફોન સહિત ઓનલાઈન રૂ.૨૦ હજાર મગાવીને લૂંટી લીધા હતા. આ મામલે યુવકે નારોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપી સામે લૂંટનો ગુનો નોંધીને કરણ ઉર્ફે કાનો શર્મા (ઉ.૨૦), વિશાલ ઉર્ફે ભૈયા તિવારી (ઉ.૨૨)ની ધરપકડ કરીને ફરાર યુવરાજ દરબારની શોધખોળ હાથ ધરી છે.મૂળ મહેસાણાનો વતની અને હાલ બાપુનગરમાં પરિવાર સાથે રહેતો ૨૦ વર્ષીય યુવક કુબેરનગર આઇટીઆઇમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી યુવક સમલૈંગિક હોવાથી છેલ્લા બે વર્ષથી ગે-ડેટીંગ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો. ગત ૨૩ નવેમ્બરે એપ્લિકેશનમાં અજાણ્યા યુવકનો મેસેજ આવ્યો હતો અને યુવક અને શખ્સ વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. દરમિયાન ગત ૨૫ નવેમ્બરે શખ્સે યુવકને મળવાનું કહેતા યુવકે હા પાડી હતી ત્યારે બે શખ્સો એક્ટિવા લઇને યુવકને સીટીએમ પાસે લેવા આવ્યા હતા. એક્ટિવા પર આવેલા બંને શખ્સો યુવકને લઈને નારોલના રંગોલીનગરમાં આવેલા એક મકાનમાં લઈને ગયા હતા. જ્યાં અગાઉથી જ એક યુવક હાજર હતો. તેની સાથે શરીર સંબંધ બાંધવા માટે યુવકને દબાણ કરતા યુવકે ઇનકાર કર્યો હતો. ત્યારબાદ કરણ શર્માએ પલંગ નીચેથી છરી કાઢીને યુવકના ગરદન મૂકી અને વિશાલ તિવારી તથા યુવરાજ દરબાર યુવકને મારવા લાગ્યા હતા. બાદમાં ત્રણેય આરોપીએ યુવક પાસેના બે મોબાઈલ ફોન, રોકડ રૂ. ૨૦૦ તથા મિત્રો પાસેથી ઓનલાઈન રૂ. ૨૦ હજાર મગાવીને લૂંટી યુવકને નારોલ સર્કલ પાસે ઉતારીને ત્રણેય નાસી છૂટ્યા હતા.આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ કરણ ઉર્ફે કાનો શર્મા વર્ષ ૨૦૨૪માં નારોલ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને મારમારી અને જાહેરનામાંના ભંગ બદલ ત્રણ વખત પકડાઈ ચૂક્યો હતો જ્યારે વિશાલ ઉર્ફે ભૈયા તિવારી પણ વર્ષ ૨૦૧૮, ૨૦૨૨માં નારોલ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને મારમારીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી તથા આનંદનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં જાહેરનામના ભંગ બદલ ધરપકડ કરાઈ હતી.