Surendaranagar તા.9
ચોટીલામાં આવેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન ચરીત્ર પર સંગ્રહાલય બનાવાયું છે. જે મંત્રીના હસ્તે ખૂલ્લુ મૂકાયા બાદ પ્રવાસીઓ માટે ખૂલ્લુ ન મૂકાતા ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે હાલ સંગ્રહાલય જનતા માટે ખૂલ્લુ મૂકાયું છે. જેનો સમય સવારે 10થી સાંજના 5 સુધીનો રખાયો છે.
ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની યાદમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યારબાદ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સંવર્ધન સાથે 16,000 ચોરસ ફૂટથી વધારે જમીન પર 29 કરોડના ખર્ચે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
તેમાં રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીના જીવન કાર્ય, સાહિત્ય અને સંગીતને નિરૂપતું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય છઠ્ઠી સપ્ટેમ્બરે રાજ્યના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી મૂળુ બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સંગ્રહાલય માટે જરૂરી એનઓસી મેળવી જાહેર જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. જેનો સમય સવારે 10થી સાંજે 5 કલાક સુધી રખાયો છે. હાલ કોમ્યુનિકેશન અમદાવાદ દ્વારા સંગ્રહાલયની કામગીરી કરાઈ છે તેમાં ત્રણ વર્ષ સુધી મેન્ટેનન્સ, જાળવણી વગેરે કરાઈ રહ્યા છે. તેમાં હાલ 10 કર્મચારી દેખરેખ અને જાળવણી કરી રહ્યા છે. તેમાં દરેક સ્થળ પર સીસીટીવીથી સજ્જ કરવામાં આવેલું છે.
સંગ્રહાલય 2 માળમાં 8 ઝોન અને 1 સભાખંડનો સમાવેશ
મેઘાણી સંગ્રહાલય 2 માળમાં 8 ઝોન અને 1 સભાખંડનો સમાવેશ છે. તેમાં મેઘાણીના જીવન કાર્ય, સાહિત્ય અને સંગીતને નિરૂપતું કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે. પ્રથમ ઝોનમાં મેઘાણીના બાળપણ, જીવન ચરિત્ર અને વંશાવલી, બીજા ઝોનમાં મેઘાણીના કલકત્તાના પ્રસંગોની યાદગીરી, ત્રીજા ઝોનમાં કલકત્તાથી સૌરાષ્ટ્ર પરત આવ્યા બાદ ગ્રંથો, પુસ્તકો તેમની રચનાઓ સૌરાષ્ટ્રની રસધાર અને ચારણ ક્નયા વગેરે સાહિત્યની રચનાઓ.
જ્યારે ચોથા ઝોનમાં ધોલેરા સત્યાગ્રહ, જેલ પ્રસંગ અને રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય શાયરનો બિરુદ બિરૂદ આપ્યું તે પ્રસંગ. પાંચમા ઝોનમાં ઝવેરચંદ મેઘાણીના સાહિત્યની માહિતી, છઠ્ઠા ઝોનમાં ચારણ સંમેલન અને તેના ગ્રાફિક્સોની માહિતીઓ, સાતમા ઝોનમાં પ્રોજેક્ટર રૂમ, સાહિત્ય કૃતિઓ, આઠમા ઝોનમાં કસુંબીનો રંગ, લોકગીતો, લગ્ન ગીતો તેમજ ઝવેરચંદ મેઘાણીના અવાજમાં સંગીત ખુરશીઓ ત્યારબાદ વિશાળ સભાખંડ બનાવાયો છે.
પ્રવાસીઓ માટે ટિકિટનો દર
સંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓ માટે અલગ અલગ ટિકિટના દર છે. તેમાં સામાન્ય માટે 20 રૂપિયા, આઈ કાર્ડ સાથે આવતા શાળાના વિદ્યાર્થીઓ માટે અને સ્કૂલના આચાર્યના પત્ર સાથે આવતા વિદ્યાર્થીઓને 10 રૂપિયા, સિનિયર સિટીઝન માટે 10 રૂપિયા, શારીરિક વિકલાંગ માટે વિનામૂલ્યે તેમજ વિદેશોમાંથી આવતા એનઆરઆઈ માટે 50 રૂપિયા ટિકિટનો દર રાખવામાં આવેલો છે.