Gandhinagar,તા.7
રાજકોટ સહિત દેશભરમાં આગામી તા.9ને બુધવારે એલ.આઈ.સી.કર્મચારીઓ સહિત કેન્દ્રીય ટ્રેડ યુનિયનો રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડનાર છે. જેમાં દેશભરના લાખો કર્મચારીઓ જોડાશે કર્મચારીઓની આ હડતાળના પગલે એલ.આઈ.સી.ની કામગીરી ઠપ્પ બની જવાની શકયતા રહેલી છે.
કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ વીમા અને બેન્કિંગ ક્ષેત્રે ખાનગીકરણ સહિતના કેન્દ્ર સરકારના વિવિધ પગલાના વિરોધમાં તથા મજૂર કાયદાઓમાં સુધારા વધારા કરવાની સરકારની તજવીજના વિરોધમાં વિવિધ માગણીઓ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપેલ છે.
તેમાં જીવન વીમા સંસ્થા એલઆઇસી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સ્તરના સંગઠન “ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇઝ એસોસિયેશન”(AIIEA)ના દેશભરના કર્મચારીઓ સહિત કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના લાખો કર્મચારીઓ હડતાલમાં જોડાશે . તેથી આ હડતાલ અભૂતપૂર્વ બની રહેશે.
ગત મે માસમાં દિલ્હી ખાતે ટ્રેડ યુનિયનના અગ્રણીઓની મીટીંગ મળી હતી. તેમાં પ્રથમ તા. 20મી મે ના રોજ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓનો વિરોધમાં હડતાલનું એલાન આપવાનું નક્કી કરવામાં આવેલ.
પરંતુ તે સમયે પહેલગામમાં આતંકી હુમલો થતા તે પરિસ્થિતિને ધ્યાનમાં લઇ એ એલાન પાછું ખેંચી તા. 9મી જુલાઈને બુધવારે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડવાનું નક્કી કરવામાં આવેલ.
તે મુજબ આ હડતાલ પાડવામાં આવશે. વીમા ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણનું પ્રમાણ વધારીને 100% કરવાના સરકારના પગલાનો વિરોધ, વીમા કાનૂન સુધારા બિલ નો વિરોધ, આઉટસોર્સિંગ નો વિરોધ, જાહેર સાહસોના ખાનગીકરણનો વિરોધ અને મજૂર હિત વિરોધી કાયદા લાવવાના વિરોધમાં આ હડતાલનું એલાન આપવામાં આવેલ છે. વિરોધ ઉપરાંત સરકાર સમક્ષ યુનિયનો દ્વારા વિવિધ માગણીઓ પણ મુકવામાં આવી છે .
જેમાં વીમા પ્રીમિયમ ઉપરનો GST દૂર કરવો, LIC માં વર્ગ 3 અને 4 માં નવી ભરતી કરવી, પેન્શનની જૂની સ્કીમ પુન: ચાલુ કરવી, સામાન્ય વીમા ક્ષેત્રની ચારેય કંપનીઓનું મર્જર કરવું અને લઘુતમ વેતન રૂ।.26,000 કરવાની માગણીઓ મુખ્ય છે.
તા.9મી એ બુધવારે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડવા ઉપરાંત કર્મચારીઓ જે તે કચેરીઓ સામે સૂત્રોચાર કરી દેખાવો કરશે અને રાજકોટમાં હોસ્પિટલ ચોકમાં એકત્ર થઈ ધરણાં કરશે.અહીએ ઉલ્લેખનીય છે કે બેંકોના વ્યાપાર વધે છે અને દરેક બેંકના નફામાં પ્રતિવર્ષ વૃદ્ધિ થાય છે. બેંકો ઉપર સરકારી યોજનાઓ નો અમલ કરવાનું પણ દબાણ છે.
આની સામે કર્મચારીઓની સંખ્યા વધવાને બદલે ઘટતી જાય છે. તેની સામે ખાનગી બેંકોમા ઓછી શાખાઓ હોવા છતાં કર્મચારીઓની સંખ્યા વધતી જાય છે. બેંકોનું ખાનગીકરણ નહીં કરવું અને બેંકોમા સરકારી ભાગીદારીનું વિનિવેષ નહીં કરવાની માંગ છે તેમજ ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાની પણ માંગ છે.
સારી સેવાઓ પુરી પાડવા બેંકોમા ક્લાર્ક/પટાવાળાની ભરતી અત્યંત જરૂરી છે. LIC અને વીમા ક્ષેત્રે સીઘા મૂડીરોકાણની 100 ટકા છૂટ આપવાનો વિરોધ છે.ચાર સામાન્ય વીમા કંપનીને એક કરવાની માંગ છે. ગુજરાતના લગભગ દસ હજાર બેંક કર્મચારીઓ અધિકારીઓ આ હડતાલમા જોડાશે.