Maharashtra, તા. 29
મહારાષ્ટ્રમાં હવેથી સરકારી કર્મચારીઓ રાજ્ય તથા કેન્દ્ર સરકાર, દેશના અન્ય રાજ્યોની સરકાર તથા ભૂતકાળની કોઈ પણ સરકારની ટીકા નહીં કરી શકે. મહારાષ્ટ્રની NDA સરકારે સરકારી કર્મચારીઓના સોશિયલ મીડિયાને લઈને ગાઈડલાઇન જાહેર કરી છે.
કર્મચારીઓને કડક નિર્દેશ અપાયા છે કે, વ્યક્તિગત અને સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ અલગ અલગ રાખવા પડશે. નિયમોનું ઉલ્લંઘન કરતાં કર્મચારીઓ વિરૂધ્ધ મહારાષ્ટ્ર સિવિલ સેવા આચરણ નિયમ 1979 હેઠળ કાર્યવાહી કરાશે.
સરકારે આદેશ આપ્યો છે કે, સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ સાંખી લેવામાં આવશે નહીં. જો કોઈ કર્મચારી રાજકીય ઘટનાક્રમ વિશે સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ કે કોમેન્ટ કરશે તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
કયા નિયમોનું પાલન કરવું પડશે
1. કોઈ પણ પ્રતિબંધિત વેબસાઈટ કે ફોન એપનો ઉપયોગ કરી શકશે નહીં
2. જે કર્મચારીઓની અનુમતિ અપાઈ છે તેઓ જ સરકારી યોજનાઓની જાણકારી શેર કરી શકશે
3. સરકારી યોજનાઓની સફળતા પર પોસ્ટ કરી શકાય પરંતુ સેલ્ફ પ્રમોશન એટલે કે પોતાના વખાણ ન કરવા
4. મંજૂરી વિના કોઈ પણ સરકારી દસ્તાવેજ સોશિયલ મીડિયા પર અપલોડ કરવા નહીં
5. બદલી થાય ત્યારે સોશિયલ મીડિયા હેન્ડલથી જાણકારી આપવી