New Delhi,તા.19
ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ભારતીય એથલીટ નીરજ ચોપરા ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગયો હતો. જાપાનની રાજધાની ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં નીરજ ચોપરાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તે ભાલા ફેંકની ફાઈનલમાં ફક્ત 84.03 મીટરનું અંતર કાપી શક્યો.
નીરજ પોતાનો પહેલો થ્રો 83.65 મીટર ફેંક્યો પરંતુ પછી તેનું પ્રદર્શન સતત બગડતું રહ્યું. નીરજ ટોપ 6 માં પણ સ્થાન મેળવી શક્યો નહીં અને આમ તે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગયો. નીરજ ચોપરાની સાથે, પાકિસ્તાનનો અરશદ નદીમ પણ કંઈ ખાસ કરી શક્યો નહીં અને ફક્ત 82.73 મીટરનું અંતર કાપી શક્યો. તે પણ ટોપ 6 માં સ્થાન મેળવી શક્યો નહીં.
નીરજ ચોપરાએ પોતાના પહેલા થ્રોમાં 83.65 મીટરનું અંતર કાપ્યું. બીજો થ્રો 84.03 મીટરનો હતો. નીરજે ત્રીજો થ્રો ફાઉલ કર્યો. નીરજ ચોપરાના ચોથા થ્રોમાં ભાલો 82.86 મીટર ગયો. નીરજ ચોપરાનો પાંચમો થ્રો પણ ફાઉલ હતો.
રસપ્રદ વાત એ છે કે, ભારતના બીજા જેવલીન થ્રો એથલીટ સચિન યાદવે 86.27 મીટરના થ્રો સાથે નીરજ ચોપરાને પાછળ છોડી દીધો હતો. તે નીરજ ચોપરા અને અરશદ નદીમ જેવા અનુભવી ખેલાડીઓથી આગળ નીકળી ગયો. યાદવ ચોથા સ્થાને રહ્યો. સચિને પોતાના કારકિર્દીના શ્રેષ્ઠ પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા.
ત્રિનિદાદ અને ટોબેગોના વોલકોટે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે 88.16 મીટરના થ્રો સાથે આ ખિતાબ હાંસલ કર્યો. ગે્રનાડાનો પીટર્સ 87.38 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો. યુનાઈટેડ સ્ટેટ્સના કર્ટિસ થોમ્પસન 86.67 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.