પાડોશીએ દીવાલ ટપી ઘરમાં પ્રવેશ કર્યો : બી ડિવિઝન પોલીસે મોબાઈલ ચેક કરતા બારીમાંથી વિડીયો ઉતાર્યાનું ખુલ્યું
Rajkot,તા.૨૩
પેડક રોડ પરની એક યુવતીનો કપડાં બદલાવતો વિડીયો ઉતારનાર પાડોશીની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. વડોદરા રહીને મેકઅપ આર્ટિસ્ટ તરીકે નોકરી કરતી અને નાકની સર્જરી માટે રાજકોટ આવેલી યુવતીનો રાત્રીના સમયમાં કોમન દીવાલ ટપી આવી બારીમાંથી વિડીયો ઉતારનાર વિજય પારખિયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરામાં રહીને બરોડામાં મેકઅપ આર્ટીસ્ટ તરીકે નોકરી કરતી યુવતીને નાકમાંથી લોહી નીકળતું હોય માટે રાજકોટ ખાતે સર્જરી અર્થે આવી હતી. રાજકોટની ખાનગી હોસ્પીટલ ખાતે નાકની સર્જરી થયાં બાદ આરામ અર્થે ઘરે રોકાઈ હતી. ગત તા. 22 સપ્ટેમ્બરની રાત્રે અંદાજિત અગિયાર વાગ્યાં આસપાસ યુવતી મકાનના ઉપરના રૂમમા કપડા બદલાવવા માટે ગઈ હતી ત્યારે રૂમની બહાર આવેલ અગાસીની બારીમાંથી કોઇ વાકડીયા તથા મોટા વાળવાળી વ્યક્તિ મોબાઇલમાં વિડીયો ઉતારતુ હોય તેવુ લાગતા યુવતીએ ફટાફટ કપડા બદલાવી ઘરમાં નીચે બેઠેલા પરીવારના સભ્યોને બોલાવી અગાસીમાં ગયાં હતા પણ ત્યાં કોઈ મળી આવ્યું ન હતું. જે બાદ પાડોશી વિજય વલ્લભભાઈ પારખિયાએ પોતાના ઘરમાં સીસીટીવી લગાવ્યા હોય તે ચેક કરવા ગયાં હતા પણ વિજયભાઈને અવાજ કરીને બોલાવતા થોડીવાર બહાર આવેલ નહી જેથી યુવતીને શંકા ગઈ હતી કે, આ વિડીયો ઉતારવાવાળો વિજય જ છે. વિજય બહાર આવ્યો ત્યારે ઘટનાની જાણ કરી તમારા સીસીટીવી કેમેરા ચેક કરવા છે તેમ કહેતા વિજયએ અલગ અલગ બહાના આપ્યા હતા.
જેથી યુવતીના પરિજનોએ બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ વાન આવી ગઈ હતી. પોલીસ વાનના ઇન્ચાર્જને વાત કરતા પોલીસે વિજયનો મોબાઇલ ચેક કરતા તેમાથી યુવતી કપડા ચેન્જ કરતી હોય તેવો વિડીયો મળી આવ્યો હતો. જેથી તાત્કાલિક બી ડિવિઝન પોલીસે વિકૃત વિજય પારખિયાની અટકાયત કરી લીધી હતી.