હિંસા, તોડફોડ કરનારા સામે પગલા લેવાશે, આ વચગાળાની સરકાર ફક્ત છ મહિના માટે છેઃ સુશીલા કાર્કી
Kathmandu, તા.૧૫
નેપાળમાં ભ્રષ્ટાચાર અને આર્થિક અસમાનતાની સામે ભડકેલી હિંસામાં હમણા સુધી ૭૨ લોકોના મોત થયા છે. એમાં ૫૯ દેખાવકારો, ત્રણ પોલીસ કર્મી અને ૧૦ કેદી સામેલ છે. કેદીઓ જેલમાંથી ભાગવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે થયેલા ગોળીબારમાં તેમના મોત થયા હતા. આ સાથે વડાપ્રધાન સુશીલા કાર્કીએ સ્પષ્ટતા કરી હતી કે તોડફોડ અને હિંસામાં સામેલ લોકો સામે તપાસ કરાવાશે અને જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરાશે. આ વચગાળાની સરકાર ફક્ત છ મહિના માટે છે અને તેમનો હેતુ સત્તાનો સ્વાદ લેવાનો નથી, પરંતુ પરિસ્થિતિ સામાન્ય કરવાનો છે. સરકારનું ધ્યાન ફક્ત ભ્રષ્ટાચારની તપાસ, વ્યવસ્થા સુધારવી અને લોકોને વિશ્વાસ કાયમ કરવાનો છે.આ દરમિયાન, બગડેલી સ્થિતિ વચ્ચે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સુશીલા કાર્કીએ જાહેરાત કરી છે કે આ ઘટનામાં મૃતકોને શહીદનો દરજ્જો આપવામાં આવશે અને તેમના પરિવારજનોને રૂ. ૧૦ લાખનું આર્થિક વળતર અપાશે. વડાપ્રધાન કાર્કીએ પોતાનો કાર્યભાર સંભાળ્યા પછી યોજેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે આઠમી સપ્ટેમ્બરે જેમના મોત થયા છે, તેમને સત્તાવાર રીતે શહીદ કહેવામાં આવશે. ઘાયલોની સારવાર સરકારી ખર્ચ કરાશે અને તેમને પણ આર્થિક સહાય અપાશે.આ સિવાય સરકાર મૃતહેદોને કાઠમાંડૂથી તેમના જિલ્લા સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરશે. વચગાળાના વડાપ્રધાન કાર્કીએ એમ પણ કહ્યું કે, જેમની માલિકીની સંપત્તિઓ હિંસક પ્રદર્શનોમાં સળગાવી દેવામાં આવી છે, તેમને પણ મદદ કરાશે. સરકાર તેમને વાજબી અને સરળ શરતો પણ લોન કે અન્ય ઉપાયોગ દ્વારા રાહત આપશે. ઉલ્લેખનીય છે કે નેપાળમાં આ આંદોલન ત્યારે શરુ થયું જ્યારે સરકારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નિર્ણય પહેલાથી વર્તમાનમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારીને લીધે ગુસ્સા ભરાયેલા યુવાનો રોડ પર આવી ગયા. યુવાપેઢીનું આંદોલન દેશમાં પહેલીવાર એટલા વ્યાપક સ્તર પર થયું, જેમાં મુખ્ય માંગણી આર્થિક સમાનતા અને ભ્રષ્ટાચાર નાબૂદીની હતી.