અપહરણ, પારિવારિક ડખ્ખો કે મિલ્કત વિવાદ? પૂછપરછ બાદ અનેક ઘટસ્ફોટ થવાના એંધાણ : ક્રાઇમ બ્રાન્ચની ટીમ બંનેને લઇ રાજકોટ આવવા રવાના
Rajkot,તા.31
શહેરમાં છેલ્લા અઠવાડિયાથી ટોક ઓફ ધ ટાઉન બનેલ બનાવમાં ખોજા વેપારીની પુત્રી ૬ વર્ષની ભત્રીજીને લઈ ભેદી રીતે લાપતા થઈ જતાં શહેર ભરની પોલીસ ઊંધા માથે થઈ હતી અને શહેરની બાહોશ પોલીસે ફઈ-ભત્રીજીને મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી હેમખેમ શોધી કાઢી ત્યાંથી રાજકોટ લાવવા રવાના થઈ હતી. રાજકોટથી નીકળ્યા બાદ મોરબી સુધી હોન્ડા સીટી કાર દેખાઈ હતી. જે બાદ તેની સાથે રહેલ શખ્સ તેમને ઇન્દોર સુધી લઈ ગયાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે. હવે સાથે રહેલો શખ્સ કોણ ? પરિવારને પ્રેશર આપવા તરકટ રચ્યું કે કેમ? તે અંગે પોલીસ રાજકોટ તેઓને લઈ આવ્યાં બાદ વધું વિગતો સામે આવશે.
પ્રાપ્ત વિગત મુજબ, રૈયા રોડ પર આવેલ અલ્કાપુરી મેઈન રોડ પર રહેતાં ખોજા વેપારીની ૪૪ વર્ષીય પુત્રી રિમાબેન માખણી ગઈ તા.૨૪ ના સાંજના સમયે પોતાના ઘરેથી તેમની છ વર્ષની ભત્રીજી અનાયા માખણીને લઈ ઘર બહાર પાર્ક કરેલ હોન્ડા સીટી કાર લઈ ત્યાંથી નીકળી ગયાં હતાં. પોલીસે પણ બનાવની ગંભીરતા પારખી તુરંત તપાસ આદરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમને ટેકનીકલ સોર્સથી ઈન્દોરનું પગેરુ મળતાં એક ટીમ ઈન્દોર પહોચી ગઈ હતી અને ટીમ ફઈ-ભત્રીજીની નજીક હોવાની વાત તેમની સાથે રહેલ શખ્સને હ્યુમન સોર્સથી મળી ગઈ હતી. જેથી તે ફઈ-ભત્રીજીને ઇન્દોર નજીકના વિસ્તારમાં મૂકી કાર લઈ નાસી છૂટ્યો હતો.જે બાદ એકલી પડી ગયેલા યુવતીએ એક ટેક્સી ચાલકને મોબાઈલમાંથી તેના ભાઈને કોલ કર્યો હતો અને પોતે ઇન્દોર હોવાની અને ભત્રીજી સાથે સહી સલામત હોવાની વાત કરી હતી. જેથી બનાવની જાણ થતાં યુવતીના ભાઈએ તુરંત જ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર. મેઘાણીને કરી હતી અને તે ગંભીરતાને ધ્યાને લઇ પીઆઇએ તુરંત જ તે ટેક્સીવાળા મારફતે યુવતી સાથે વાત કરી હતી. જે બાદ તે બાબતે ઉચ્ચ અધિકારીઓને વાફેક કરવામાં આવ્યાં હતાં.
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ગુમશુદા ફઈ-ભત્રીજીને શોધી કાઢવા એમપી ખાતે જ હોય તેમને જાણ કરાતાં તેઓ પણ બેટમાં પોલીસ મથક વિસ્તારમાં પહોંચી ફઈ-ભત્રીજી સુધી પહોંચી જઈ બંનેને લઈ ટીમ રાજકોટ રવાના થઈ હતી.