New Delhi, તા.૧૬
વિશ્વની ટોચની કંપનીમાં સામેલ સ્વિસ મલ્ટિનેશનલ કંપની નેસ્લે આગામી બે વર્ષમાં વિશ્વભરમાં કુલ ૧૬૦૦૦ નોકરીઓ ખતમ કરવા જઈ રહી છે.
આ મોટો નિર્ણય કંપનીના નવા સીઈઓ ફિલિપ નવરાટિલે લીધો છે. સપ્ટેમ્બર, ૨૦૨૫ની શરૂઆતમાં ફિલિપ નવરાટિલની નેસ્લેના સીઈઓ પદે નિમણૂક થઈ હતી. તેમણે કહ્યું કે, સમય બદલાઈ રહ્યો છે, અને નેસ્લેમાં ઝડપથી બદલાવ કરવો પડશે.
કંપનીએ જણાવ્યું કે, આ ૧૬૦૦૦ પદમાંથી આશરે ૧૨,૦૦૦ પદ વ્હાઈટ કૉલર કર્મચારીઓ માટે હશે. આ છટણી કંપનીના ૧ અબજ સ્વિસ ફ્રેન્ક બચાવવામાં મદદ કરશે. પહેલાંથી જ નેસ્લેના પ્રોડક્શન અને સપ્લાય ચેઈન સેક્ટર્સમાં ૪૦૦૦ નોકરી કપાશે. હવે અન્ય ૧૨,૦૦૦ પદ પણ દૂર કરવાની યોજના ઘડી છે. તે ૨૦૨૭ના અંત સુધી પોતાના ખર્ચમાં ૩ અબજ સ્વિસ ફ્રેન્કની બચત કરવા માગે છે. જે પહેલાના નિશ્ચિત લક્ષ્ય (૨.૫ અબજ) કરતાં વધુ છે. નેસ્લેએ પોતાનો નવ માસનો નાણાકીય રિપોર્ટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, તેના વેચાણ ૧.૯ ટકા ઘટ્યા છે અને તેને ૬૫.૯ અબજ સ્વિસ ફ્રેન્કની કમાણી થઈ છે.
નિષ્ણાતો માને છે કે, આ પરિણામ કંપની પર આર્થિક પ્રેશર દર્શાવે છે, કંપની પોતાના ઢાંચામાં બદલાવ કરી રહી છે. કંપની છેલ્લા કેટલાક સમયથી અનેક પડકારોનો સામનો કરી રહી છે. કંપની એક બોટલ્ડ વોટર સ્કેમનો પણ સામનો કરી રહી છે. આ તમામ કારણોસર નવા લીડર નવરાટિલ પર કંપનીને સ્થિર કરવા અને રોકાણકારોનો વિશ્વાસ જીતવાનું પ્રેશર છે.
નેસ્લે પાસે વિશ્વભરમાં ૨,૦૦૦ થી વધુ બ્રાન્ડ્સ છે. કંપની હવે ખર્ચ ઘટાડવા અને વધુ નફો મેળવવા તેમજ ભવિષ્યમાં વૃદ્ધિની સંભાવના ધરાવતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતીય દ્રષ્ટિકોણથી નેસ્લે ઇન્ડિયા લિમિટેડ નેસ્લેની ભારતીય પેટાકંપની છે. નેસ્લે ઇન્ડિયાએ તેના બીજા ત્રિમાસિક (ઊ૨) પરિણામો જાહેર કર્યા છે. કંપનીના ચોખ્ખા નફામાં આશરે ૨૩.૬% ઘટાડો થયો છે. તેમ છતાં કંપનીના શેરનો ભાવ રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. શેરનો વધારો મુખ્યત્વે કંપનીની વિસ્તૃત કામગીરી અને વેચાણને કારણે થયો હતો, જેમાં સ્થાનિક વેચાણમાં ૧૦.૮% વધારો થયો હતો. કામગીરીમાંથી કુલ આવક આશરે રૂ. ૫,૬૪૩.૬ કરોડ હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં ૧૦.૬%નો વધારો દર્શાવે છે.