Bhavnagar,તા.16
વલ્લભીપુર સરકારી હોસ્પિટલની એક માત્ર એમ્બ્યુલન્સ બગડી જતા અટકી પડી છે. જ્યારે નવી નક્કોર એમ્બ્યુલન્સ માત્ર લોકાર્પણના વાંકે છેલ્લા એક મહિનાથી શોભાના ગાંઠીયા સમાન બની છે. જ્યારે દર્દી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં અથવા અન્ય વાહનોમાં રીફર થઇ રહ્યા છે.
મળતી વિગતો મુજબ વલ્લભીપુર સરકારી હોસ્પિટલથી દર્દીને રીફર કરાતી વેળા જે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હતો તે ૧૫ દિવસ પૂર્વે બંધ પડી જતા અમદાવાદ રિપેરીંગ માટે મોકલાઇ છે. જ્યારે આરોગ્યની સુવિધા માટે સરકારે વધુ એક નવી એમ્બ્યુલન્સ વલ્લભીપુરને એક મહિના પહેલા ફાળવી પણ દીધી છે. જ્યારે લોકાર્પણ નહીં થવાના કારણે હાલ આ નવી એમ્બ્યુલન્સ પણ ધૂળ ખાઇ રહી છે તો બીજી તરફ દર્દીઓને રીફર કરવાના કેસમાં સ્થાનિક પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં ખર્ચ કરવો પડે છે. તો ક્યારેક ઇમરજન્સીમાં ખાનગી વાહનોમાં પણ દર્દીને ફેરવવાનો વારો આવે છે. આમ સુવિધા અપાય છે પણ માત્ર લોકાર્પણના લીધે આ સુવિધા લોકો સુધી પહોંચી નથી.