New Delhiતા.21
આગામી સમયમાં વર્ષને અંતે આવી રહેલી બિહાર વિધાનસભા ચૂંટણીનું વાતાવરણ બનવા લાગ્યું છે અને તે સાથે સંસદનું સત્ર પણ આજથી શરૂ થયું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે પશ્ર્ચિમ બંગાળમાં જઈને આગામી સમયમાં અહીં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો મોરચો ઘણો વહેલો ખોલી નાખ્યો છે તે વચ્ચે ભાજપના રાષ્ટ્રીયની પસંદગીમાં હવે સંસદનું સત્ર પૂરૂ થયા બાદ જ નિર્ણય લેવાય તેવા સંકેત છે અને તે માટે તા.15 ઓગષ્ટ પછી પ્રક્રિયા હાથ ધરાશે.
આ અંગે ભાજપના સુત્રોના દાવા મુજબ સરકાર હાલ સંસદના સત્રમાં જે રીતે વિપક્ષનો મુકાબલો કરવામાં વ્યસ્ત છે તે જોતા રાષ્ટ્રીય પ્રમુખની વરણીમાં નવી મુદત આવી શકે છે અને પક્ષ દ્વારા પણ આ અંગે હાલ કોઈ હીલચાલ નહીં હોવાનો સંકેત છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં સંઘ અને ભાજપ વચ્ચે મતભેદો હોવાનું બહાર આવ્યા બાદ તેમાં અનેક નામોની ચર્ચા બાદ સંમતિ બની નથી.
20 જાન્યુ. 2023ના જે.પી. નડ્ડાની મુદત પૂરી થયા બાદ તેમને સતત એકસટેન્શન અપાયું છે અને હવે પક્ષે તેના બંધારણ મુજબ 50%થી વધુ રાજયોમાં નવા સંગઠનની રચના પૂરી કરી છે પરંતુ હજુ સુધી પક્ષને રાષ્ટ્રીય પ્રમુખ અંગે સંઘ તરફથી લીલીઝંડી મળી નહીં હોવાનું માનવામાં આવે છે.
પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ નવા પ્રમુખના નામમાં શિવરાજ ચૌહાણ સૌથી આગળ દોડી રહ્યા છે અને તેઓએ પણ એક મુલાકાતમાં પક્ષના નિર્ણયને માન્ય રાખવાની તૈયારી બતાવી છે.
સુત્રોના જણાવ્યા મુજબ ચાર વખત મુખ્યમંત્રી અને બાદમાં કેન્દ્રીય મંત્રી તરીકે રહી ચૂકેલા શ્રી શિવરાજ ચૌહાણએ એક મુલાકાતમાં કહ્યું કે પક્ષ જે કાઈ જવાબદારી સોંપશે તેને હું સ્વીકારવા તૈયાર છું. તેમણે પોતે નિવૃત થવા અંગે પણ કહ્યું કે નિવૃતિનો વિચાર જ તમને આગળ કામ કરતા રોકે છે અને તેથી હું તે વાત વિચારતો જ નથી.